Site icon Revoi.in

ન.પા, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની પસંદગી માટે ભાજપની મળશે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક

Social Share

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ દ્વારા અમદાવાદ સહિતના મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી કરી લેવામાં આવી છે. હવે આગામી દિવસોમાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી માટે શનિવારથી ફરીથી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં તમામ ઉમેદવારોની પસંદગીને આખરી મંજૂરી આપવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત માટે આગામી તા. 28મી ફેબ્રુઆરી માટે મતદાન યોજાશે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે નેતાઓ અને કાર્યકરો પાસેથી સેન્સ લેવામાં આવી છે.  દરમિયાન પાલિકા, જિલ્લા તથા તાલુકા પંચાયત માટે ઉમેદવારોની પસંદગી કરવા આગામી શનિવારથી સતત ચાર દિવસ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક મળશે.

રાજકોટ જિલ્લા પંચાયત અને જિલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયત માટે ઉમેદવારી પસંદગી માટે રવિવારે પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. આવતા સપ્તાહે ભાજપ દ્વારા પંચાયત અને પાલિકા માટે પણ ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. આ ઉમેદવારો આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવા જશે. ભાજપ દ્વારા છ મનપાની ચૂંટણીમાં 500થી વધારે બેઠકો ઉપર જીતનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત છ મનપામાં તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે અને તા. 23મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આવી જ રીતે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે તા. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે અને 2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.