Site icon Revoi.in

કોરોનામાં દીકરો ગુમાવનારા માતા-પિતા અન્ય પરિવાર સંતાન ન ગુમાવે તે માટે ખર્ચી રહ્યાં છે ઘડપણની મૂડી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીમાં અનેક પરિવારોએ પોતોના સ્વજન ગુમાવ્યાં છે. અમદાવાદના એક દંપતિએ પણ કોરોના મહામારીમાં એકના લએક પુત્રને ગુમાવ્યો છે. પુત્રના અવસાન બાદ દંપતિએ મનોબળને વધારે મજબુત બનાવીને અન્ય પરિવાર પોતાના સ્વજન ન ગુમાવે તે માટે અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. તેમજ કોરોના પીડિતો અને જરૂરીયાત મંદોની મદદ માટે રૂ. 15 લાખની એફડી તોડાવીને લોકોની સેવા કરી રહ્યાં છે. વૃદ્ધ દંપતિએ રૂ. 15 લાખની એફડી દીકરા અને પોતાના સારા ભવિષ્ય માટે કરાવી હતી. જો કે, દીકરાનું નિધન થતા આ એફડી તોડાવીને હવે મહામુલ્ય જીવન બચાવવાના પ્રયાસો કરી રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં રહેતા રસિકભાઈ મહેતા અને પત્ની કલ્પના મહેતાના એકના એક પુત્રને કોરોના થયો હતો. કોરોનાની સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધો હતો. કોરોનાથી દીકરાનું અવસાન થતા દંપતિએ કોરોના સામે લડી રહેલા લોકોની મદદ કરવાનો સંકલ્પ લીધો હતો. તેમજ દીકરા માટે રાખેલી રૂ. 15 લાખની એફડી તોડાવી હતી. આ રકમ વડે દંપતિએ  અત્યાર સુધી 200 આઇસોલેટ દર્દીઓને કોરોનાની કીટ ઉપલબ્ધ કરાવી છે. એટલું જ નહીં 350થી વધારે લોકોને પોતાના ખર્ચે કોરોનાની વેક્સીન અપાવી છે. આ ઉપરાંત પોતાનું વાહન કોરોના દર્દીઓ માટે એમ્બ્યુલેન્સ તરીકે દોડાવી રહ્યાં છે.

રસિક મહેતાએ કહ્યું હતું કે, જ્યાં સુધી સંભવ હશે અમે મદદ કરીશું. અમારો પ્રયત્ન એવો છે જે અમારી સાથે થયું, તે કોઈ સાથે ન થાય. તેમણે પોતાનું વાહન કોરોના દર્દીઓ માટે એમ્બ્યુલેન્સ તરીકે લગાવી દીધું છે.