Site icon Revoi.in

ગુજરાતમાં ધો-12ની સંસ્કૃતની પરીક્ષાનું પેપર રદ કરી ફરીથી લેવાનો નિર્ણય

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો-10 અને 12ની પરીક્ષાઓ ચાલી રહી છે. દરમિયાન ધો12નું સંસ્કૃતનું પેપર રદ કરવામાં આવ્યું છે. સંસ્કૃતના પેપરમાં અમુક પ્રશ્નો અલગ અભ્યાસક્રમમાંથી પૂછાયા હતા, જેના કારણે આ પેપરને રદ્દ કરીને વિદ્યાર્થીઓના હિતમાં સંસ્કૃતનું પેપર ફરી લેવાનો નિર્ણય કરાયો છે. આગામી 29 માર્ચના રોજ પેપર ફરીથી લેવામાં આવશે. આશરે 580 જેટલા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યમાં તા. 20મી માર્ચના રોજ સંસ્કૃતની પરીક્ષા યોજાઈ હતી. પેપરમાં 90% પ્રશ્નો સિલેબસ બહારના આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જેના પગલે વિદ્યાર્થીઓ સહિત વાલીઓની ફરિયાદ ઉઠી હતી. આગામી 29 માર્ચે ફરી પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. 29 માર્ચે બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યાના બોર્ડના સમયે જ ફરી પેપર લેવામાં આવશે. રાજ્યમાં ધો-10 અને ધો-12ની વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષામાં ગેરરીતી અટકાવા માટે બોર્ડ દ્વારા ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ પરીક્ષા સચિવ તરુલત્તા પટેલે જણાવ્યું હતું કે, સંસ્કૃતની પરીક્ષામાં આશરે 35 ટકા જેટલા પ્રશ્નો અલગ અભ્યાસક્રમના પૂછાયેલા છે. જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 31 માર્ચથી બોર્ડની પરીક્ષાના પેપર ચકાસણીની કામગીરી શરૂ થશે. ધોરણ 10, ધોરણ 12ના આર્ટ્સ, કોર્મર્સ અને સાયન્સના 16.5 લાખ વિદ્યાર્થીઓના પેપરની ચકાસણી કરવામાં આવશે. રાજ્યના 362 ચકાસણી કેન્દ્ર પર પેપરોની ચકાસણી કરવામાં આવશે. જેમાં 61,500 જેટલા પરીક્ષકો જોડાશે. પેપર મૂલ્યાંકથી દુર રહેનાર શિક્ષકો સામે કાર્યવાહીનો પણ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.

(ફોટો-ફાઈલ)

Exit mobile version