Site icon Revoi.in

શિવસેનાના ધારાસભ્યો કરતા ઉદ્ધવ ઠાકરેને શરદ પવાર વધુ અંગત લાગતા અંતર વધતું હતુંઃ શિંદેજૂથ

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદે રાજીનામું આપ્યા બાદ શિંદેજૂથ અને ભાજપ સાથે મળીને સરકાર બનાવવા આગળ વધી રહ્યાં છે. દરમિયાન શિંદેજૂથએ કોંગ્રેસ અને એનસીપી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે ઉદ્ધવ ઠાકરેના રાજીનામા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, શિવસેનાના ધારાસભ્યો કરતા ઉદ્ધવ ઠાકરેને શરદ પવાર વધુ અંગત લાગવા લાગ્યા હતા જેથી અંતર વધતું ચાલ્યું અને તેનું પરિણામ તમે જોઈ રહ્યા છો.

શિંદેજૂથના પ્રવક્તા દીપક કેસરકરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું રાજીનામુ અમારા માટે કોઈ આનંદની વાત નથી. અમને સૌને દુઃખ છે કે, NCP અને કોંગ્રેસ સામે લડતી વખતે અમારે અમારા લીડરથી પણ નારાજ થવું પડ્યું. તેનું કારણ એનસીપી અને સંજય રાઉત જ છે. તેઓ દરરોજ કેન્દ્ર સરકારની વિરૂદ્ધમાં નિવેદનો આપવાનું અને કેન્દ્ર તથા રાજ્ય વચ્ચે ખરાબ સંબંધો પ્રસ્થાપિત કરવાનું કામ કરતા હતા. આ કારણે સ્થિતિ વણસી હતી અને આખરે આ પગલું ભરવું પડ્યું હતું.

કેસરકરે જણાવ્યું કે, NCP-કોંગ્રેસ અમારા ધારાસભ્યોને હરાવવા પ્રયત્નો કરી રહ્યા હતા જેથી અમારા ધારાસભ્યો ઉપરાંત સાંસદો પણ નારાજ હતા. જેટલા પણ સાંસદો મળ્યા તેમણે NCP ન રહેવી જોઈએ તેમ કહેલું પરંતુ આમ કહેવા છતાં કશું ન કરવામાં આવ્યું. શિવસેનાના ધારાસભ્યો કરતા તેમને શરદ પવાર વધુ અંગત લાગવા લાગ્યા હતા જેથી અંતર વધતું ચાલ્યું અને તેનું પરિણામ તમે જોઈ રહ્યા છો.