Site icon Revoi.in

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભાગેડુ આર્મ્સ ડીલર ભંડારીની દિલ્હીમાં પ્રોપર્ટી જપ્ત કરી

Social Share

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ યુકે સ્થિત આર્મ્સ ડીલર સંજય ભંડારી વિરુદ્ધ ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસમાં દક્ષિણ દિલ્હી સ્થિત તેની મિલકતનો કબજો લીધો હતો. EDએ કહ્યું કે આ મિલકત પંચશીલ પાર્કમાં પંચશીલ શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી છે. EDએ આ બિન-અસ્તિત્વ ધરાવતી કંપનીને રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના રેકોર્ડમાંથી હટાવી દીધી છે.

EDની જાહેર સૂચના અનુસાર, આ મિલકત ભંડારીની છે અને એજન્સી દ્વારા જૂન 2017માં અટેચ કરવામાં આવી હતી. હાલમાં EDએ તેને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 8ની પેટા કલમ 4 હેઠળ તેનો કબજો લીધો છે. એજન્સી 2009માં ભારતીય વાયુસેના માટે 75 પિલેટસ બેઝિક ટ્રેનર એરક્રાફ્ટની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચાર સંબંધિત અન્ય મની લોન્ડરિંગ કેસમાં પણ ભંડારીની તપાસ કરી રહી છે. આ સિવાય ભંડારી પર પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને લંડનમાં બેનામી ઘર અપાવવાનો પણ આરોપ છે.

ED અનુસાર, ભંડારી 2016 માં યુકે ભાગી ગયો હતો અને વિદેશમાં કથિત અઘોષિત સંપત્તિ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં વિશેષ PMLA કોર્ટે તેને ભાગેડુ જાહેર કર્યો હતો. યુકે સરકારે, ED અને CBIની વિનંતીઓ પર કાર્યવાહી કરીને, આ વર્ષે જાન્યુઆરીમાં ભંડારીના ભારતમાં પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. દેશની વિવિધ એજન્સીઓ દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓને ડામવા માટે કવાયત શરૂ કરી છે. ઈડી અને એનઆઈએ સહિતની એજન્સીઓએ આતંકવાદી પ્રવૃતિ અને મનીલોન્ડરીંગ અટકાવવા અભિયાન શરુ કર્યું છે.