Site icon Revoi.in

શ્રાવણ મહિનામાં તહેવારોની ઊજવણી માટે સરકાર ગાઈડલાઈન બનાવશેઃ નીતિન પટેલ

Social Share

ગાંધીનગરઃ  પવિત્ર ગણાતા શ્રાવણ મહિનાના આગમનને હવે ચાર દિવસ બાકી રહ્યા છે. શ્રાવણના પ્રારંભ  સાથે જ અનેક તહેવારોની પણ શરૂઆત થશે. ગુજરાતમાં લોકો ધામધૂમથી અને ભક્તિભાવ પૂર્વક તહેવારોની ઊજવણી કરતા હોય છે. જોકે, હજુ પણ કોરોનાનું સંકટ ટળ્યું નથી. તેથી દરેકે સતર્કતા રાખવાની જરૂર છે. ગુજરાત સરકારે પણ શ્રાવણ માસથી શરૂ થતાં તહેવારો માટે ખાસ ગાઈડલાઈન નક્કી કરવાનો નિર્ણય લીધો છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાનું સંકટ હજુ ટળ્યું નથી, પણ કોરોનાની દરેક ગાઈડલાનનું ચુસ્તપણે પાલન કરવાની જરૂર છે. તહેવારો આવતા કોરોના કાળમાં ખાસ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈન અંગે કોર કમિટિમાં નિર્ણય લેવામાં આવશે. કોરોનાની સ્થિતિમાં ધાર્મિક સ્થળો પર અને જાહેર જગ્યાએ ભીડ ઓછી થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શ્રાવણ માસથી શરૂ થતાં તહેવારો અંગે સરકાર જે પ્રકારની ગાઈડલાઈન નક્કી કરશે તેને અનુસરીને તહેવારની ઊજવણી કરવામાં આવશે. કોરોનાનું સંક્રમણ ન વધે તે અંગે પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. અને આગળ પણ કોરોનાના સંક્રમણને કારણે સ્થિતિ વણસે નહીં તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. છૂટછાટ જરૂર આપવામાં આવી છે, પણ જરૂર જણાશે તો તહેવારો દરમિયાન કડક ગાઈડલાઈન પણ અમલી કરવામાં આવશે.

તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે,  ખેડા અને આણંદ જિલ્લાને ડાંગરના પાક માટે પાણી આપવા અંગે વિચારણા કરાઈ રહી છે.સિંચાઈનું પાણી આપવા અંગે  નિર્ણય લેવાશે. નિયમો પ્રમાણે પીવાનું પાણી સ્ટોકમાં રાખવું જરૂરી છે. નર્મદા સિવાય બધા ડેમમાં સ્ટોરેજ રાખ્યું છે.