Site icon Revoi.in

શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો પદવીદાન સમારોહ યોજાયો

Social Share
રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો ૧૬મો પદવીદાન સમારોહ આજે વેરાવળ ખાતે યોજાયો હતો.
રાજ્યપાલશ્રીએ દીક્ષાંત સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સંસ્કૃત એ વેદોની ભાષા છે, દેવોની ભાષા છે. સંસ્કૃતમાં અભ્યાસ કરવો તે કોઈ હીનતા કે દીનતાની વાત નથી, પરંતુ ગૌરવની વાત છે. સંસ્કૃત એ તમામ ભાષાઓની જનની છે. આજે કમ્પ્યુટર પણ સંસ્કૃત ભાષા સૌથી સારી રીતે સમજે છે.
રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, સંસ્કૃત એ દરેક પ્રકારની સજ્જ ભાષા છે. એ રીતે તે ખજાનાથી પરિપૂર્ણ ભાષા છે. જે લોકો સંસ્કૃત નથી જાણતા તે અભાગી છે. ગાંધીજીની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધીજી કહેતા હતાં કે, હું સંસ્કૃત નથી જાણતો તેનો રંજ છે. જે સંસ્કૃતની મહત્તા દર્શાવે છે.
રાજ્યપાલશ્રીએ યુનિવર્સિટીમાંથી મેળવેલા જ્ઞાનનો ઉપયોગ જ્યાં જળની જરૂર છે, ત્યાં જળસંરક્ષણ, જ્યાં વૃક્ષોની જરૂર છે, ત્યાં વૃક્ષારોપણ, જ્યાં દીન-દુખી લોકો છે, તેવા લોકોની સેવા, જ્યાં જમીન બંજર છે, ત્યાં પ્રાકૃતિક કૃષિ જેવા પ્રયત્નો દ્વારા સમાજસેવાના કાર્યો કરવા હાકલ કરી હતી.
ધરતી પર આવ્યા છીએ તો એક ઈતિહાસ બનાવીએ, પરિશ્રમી અને તપસ્વી બનીએ. તેમજ રાષ્ટ્ર પ્રત્યેનો સમર્પણ ભાવ કેળવીએ તેવી અપેક્ષા રાજ્યપાલશ્રીએ વ્યક્ત કરી “જિંદગી જિંદાદિલી કા નામ હૈ, મૂર્દા દિલ ક્યા ખાક જીયા કરતે હૈ” તેમ કહી મેળવેલા જ્ઞાનને ઉત્સાહ, ઉમંગથી  અન્ય લોકો સાથે વહેંચવા અને પોતાના વ્યક્તિત્વમાં રહેલા અનેક પાસાઓને ઉજાગર કરવાનો ભાવ વ્યક્ત કર્યો હતો.
આપણા વેદ; ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ સહિતના પરંપરાગત શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં છે. તેના પર તમામને ગર્વ થવો જોઈએ. આ એક ઋષિ-મનીષીઓની ભાષા છે. સંસ્કૃતના જ્ઞાતા તરીકે એ ભાષા આવડવાનો તમને ગર્વ હોવો જોઈએ. આપણી ગુરુકુળ પરંપરામાં પણ આ જ ભાષાનું અધ્યાપન અને અધ્યયન કરાવવામાં આવતું હતું.
આજે પદવી મેળવીને જનારા વિદ્યાર્થીઓમાં જે ઉદ્દેશ્ય માટે તેઓ વિદ્યા મેળવવા માટે આવ્યા હતાં, તે મેળવ્યાની સાર્થકતા જોઈએ. પદવી મેળવ્યા બાદ સમાજ અને દેશની અપેક્ષાઓમાં ખરા ઉતરવાનું તેમના પર દાયિત્વ છે. આ સિવાય આચાર્ય દેવો ભવઃ, માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ ની પરંપરાને આગળ નિર્વહન કરવાની જવાબદારી પણ તમારા પર છે.
Exit mobile version