Site icon Revoi.in

ગુજરાતમાં કોરોના પીડિત દર્દીઓના પરિવારજનોને હવે રેમડેસિવિર ઈન્જેકશન્સ માટે દોડાદોડ નહીં કરવી પડે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. તેમજ મોટાભાગની હોસ્પિટલો પણ હાઉસફૂલ થઈ ગઈ છે. બીજી તરફ કોરોના પીડિત દર્દીઓના પરિવારજનો રેમડેસિવિર ઈન્જેકશન્સ માટે દોડાદોડ કરી રહ્યાં છે. તેમજ રેમડેસિવિર ઈન્જેકશન્સની ડિમાન્ડમાં વધારો થયો છે. બીજી તરફ સફાળા જાગેલા આરોગ્ય વિભાગ દ્વારા એક જ દિવસમાં 37 હજારથી વધારે ઈન્જેકશન બજારમાં મુકવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલો માટે 35 હજારથી વધારે ઈન્જેકશન્સ મળતા આરોગ્ય  વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. તેમજ ઈન્જેકશનની અછત ન સર્જાય તે માટે આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતનાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં કમિશનર ડૉ. હેમંત કોશિયાના જણાવ્યા અનુસાર ગુજરાત માટે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો સપ્લાય મળી રહ્યો છે. અમદાવાદમાં આજે એક જ દિવસમાં 18,000 થી વધારે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો ટ્રેડ સપ્લાય કરાયો છે. જ્યારે સુરતમાં 6,706, વડોદરામાં 4,151 અને રાજકોટનાં બજારોમાં 3,878 રેમડેસિવિર ઇન્જેક્શન્સ પહોંચ્યા છે. તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓને તેમની જરૂરિયાત મુજબ જથ્થો પહોંચાડવામાં આવ્યો છે. ઈન્જેશનની અછત ન સર્જાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. સરકારને 35 હજારથી વધારે ઈન્જેશન્સનો જથ્થો મળ્યો છે. તેમજ દર્દીઓના પરિવારજનોને હાલાકી ન પડે તે માટે કવાયત શરૂ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા સરકાર દ્વારા કોવિડ-19 બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ પણ વધારે સઘન બનાવવામાં આવ્યું છે.