Site icon Revoi.in

ભારતીય સંસ્કૃતિના ઉચ્ચતમ આદર્શો અંગદાન પ્રવૃત્તિ આગળ ધપાવે છેઃ ભૂપેન્દ્ર પટેલ

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “અંગદાન મહોત્સવ”નો અમદાવાદ થી પ્રારંભ કરાવતા જણાવ્યું કે, કીડીને કણ, હાથીને મણની આપણી સંસ્કૃતિ રહી છે. એ જ રીતે અંગદાન થકી જરૂરિયાતમંદોને નવજીવન આપવાનો ભાવ પણ આપણામાં રહેલો છે. જે આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના ગુજરાત એકમ, SOTTO(State Organ Tissue and Transplant Organisation) અને ગુજરાત મીડિયા ક્લબના સંયુક્ત ઉપક્રમે અમદાવાદથી અંગદાન મહોત્સવની શરૂઆત થઈ છે. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અંગદાન થી સેવાભાવ પ્રવૃત્તિને બળવતર બનાવનારા પરિવારોને બિરદાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રાચીન સમયમાં દધીચી ઋષિએ કરેલું દેહદાન આપણે સૌ જાણીએ છીએ. આપણી સંસ્કૃતિના આ ઉચ્ચતમ આદર્શોને આ અંગદાન પ્રવૃત્તિ આગળ ધપાવે છે એમ તેમણે કહ્યું હતું. અંગદાન ક્ષેત્રે ગુજરાતની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ગત વર્ષે 670 જીવિત વ્યક્તિઓ અને 203 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોનું દાન કરાયું છે. જેનાથી ઘણા જરુરીયાતમંદોને નવજીવન મળ્યું છે. અંગદાન મેળવનાર પરિવારનો આનંદ અંગદાતા સ્વજનના મૃત્યુના દુઃખને દૂર કરે છે. માનવજીવનને લગતા કોઈપણ કાર્યોમાં સાથે ઉભું રહેવું એ સરકારની અને આપણા સૌની ફરજ બને છે. અંગદાનની આ પ્રવૃત્તિમાં મીડિયા દ્વારા પણ જાગૃતતા લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે તેમ કહી આ સહિયારા પ્રયાસોને મુખ્યમંત્રીએ બિરદાવ્યા હતા.

રાજ્યમાં 272 ડાયાલિસિસ કેન્દ્રો કાર્યાન્વિત કરીને સરકારે કિડનીની તકલીફ ધરાવતા રાજ્યના દર્દીઓને વન સ્ટેટ વન ડાયાલિસિસ પ્રોગ્રામ અન્વયે બેસ્ટ ટ્રીટમેન્ટ મળી રહે તે માટેના સઘન પ્રયાસો હાથ ધર્યા છે. કેટલીક ગેરમાન્યતાઓના લીધે અંગદાન થતા અટકતા હોય ત્યારે આવા કારણો જાણી યોગ્ય સમાધાન થાય તો આ અંગદાનની પ્રવૃત્તિ વધુ વ્યાપક બનશે તેવો મત મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ અંગદાનથી મોટું કોઈ દાન ન હોય શકે તે ભાવથી આપણા સ્વજનના મૃત્યુ બાદ અંગદાન કરવા માટે સૌને સંકલ્પબદ્ધ બનવા અપીલ કરી હતી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અન્નદાન, રક્તદાન, ચક્ષુદાન કરતી આપણી ભારતીય સંસ્કૃતિમાં પ્રવર્તમાન સમયમા અંગદાન એ મહાદાન હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું‌. આ વર્ષ ના બજેટમાં પણ અંગદાન અને પ્રત્યારોપણના સેવાકાર્યને વેગ મળે તે માટે નાણાંકીય જોગવાઈ કરવામાં આવી હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું. મેડિકલ ટુરિઝમને વેગ મળે તે માટે અમદાવાદ સિવિલ મેડિસિટીની તર્જપર સુરત વડોદરા જામનગર અને ભાવનગર જિલ્લામાં સુપર સ્પેશ્યિલીસ્ટ હોસ્પિટલ અને મેડિસિટીનુ નિર્માણકાર્ય કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે કહ્યું હતું. રાજ્યમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનુ વેઇટીગ ઘટાડવા ઓર્ગન રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર જિલ્લા સ્તરે અને સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં વધારવામાં આવી રહ્યા છે. સમાજમાં અંગદાનની જનજાગૃતિ વધે તે માટે તમામ અંગદાતા પરિવાજનો, મીડિયા કર્મીઓને અંગદાનના જનજાગૃતિ અભિયાનને વેગવંતો બનાવવા મંત્રી ઋષિકેશ પટેલ અનુરોધ કર્યો હતો.

“અંગદાન મહોત્સવ” માં અંગદાનના સેવાકાર્યને વેગવંતુ બનાવતા રાજ્યના અંગદાતા પરિવાજનો, રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટ કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલ્સ , સેવાભાવી સંસ્થાઓ,અને મીડિયા કર્મીઓના પ્રયાસોને બિરદાવવા સૌનું બહુમાન કરવામાં આવ્યું હતું. અંગદાન મહોત્સવમાં IMA ના મહામંત્રી ડૉ‌‌.અનિલ નાયક, રેડક્રોસ ગુજરાત ના ડાયરેક્ટર અજય પટેલ, મીડિયા ક્લબના પ્રમુખ નિર્ણય કપુર, દિલિપ દેશમુખ, ડોન્ટ લાઇફના નિલેશભાઈ, અંગદાન સાથે જોડાયેલ અન્ય અગ્રણીઓ, મોટી સંખ્યામાં ટ્રાન્સપ્લાન્ટ સર્જન , તબીબો ઉપસ્થિત રહ્યા હતા.