Site icon Revoi.in

વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ: ઓગસ્ટમાં આકાશમાં દેખાશે અદભૂત બ્લડ મૂન, જાણો શું તે ભારતમાં દેખાશે?

Social Share

નવી દિલ્હી, 7 માર્ચ 2026: ખગોળપ્રેમીઓ માટે વર્ષ 2026 અત્યાર સુધી અત્યંત રોમાંચક રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં એક સૂર્યગ્રહણ અને એક ચંદ્રગ્રહણ પૂર્ણ થઈ ચૂક્યા છે. ચાલુ માર્ચ મહિનાની 3 તારીખે જ દુનિયાએ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ નિહાળ્યું હતું. હવે વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓની નજર વર્ષના બીજા અને અંતિમ ચંદ્રગ્રહણ પર ટકી છે, જે ઓગસ્ટ મહિનામાં યોજાવાનું છે. આ ગ્રહણ તેની દ્રશ્યતા અને ખાસ લાલ રંગને કારણે વિશેષ માનવામાં આવે છે.

વિજ્ઞાનની ભાષામાં તેને ‘બ્લડ મૂન’ કહેવામાં આવે છે. ખગોળશાસ્ત્રીઓના મતે, આ એક ‘આંશિક ચંદ્રગ્રહણ’ હશે, પરંતુ તે પૂર્ણ ગ્રહણ જેવો જ અનુભવ કરાવશે. આ દરમિયાન પૃથ્વીના ઘેરા પડછાયાથી ચંદ્રનો 93 ટકા જેટલો ભાગ ઢંકાઈ જશે. જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે, ત્યારે સૂર્યના કિરણો પૃથ્વીના વાતાવરણ સાથે અથડાઈને વક્રીભવન પામે છે, જેના કારણે ચંદ્ર સંપૂર્ણ કાળો થવાને બદલે તાંબા જેવો લાલચોળ દેખાય છે.

વર્ષ 2026નું બીજું ચંદ્રગ્રહણ 27 અને 28 ઓગસ્ટની મધ્યરાત્રિએ લાગશે. વૈશ્વિક સ્તરે આ ગ્રહણની શરૂઆત 1.23 UTC થી થશે અને 4.41 UTC પર ગ્રહણ તેની ચરમસીમાએ એટલે કે સૌથી ભવ્ય દેખાશે. આ ગ્રહણની સમાપ્તિ 7.02 UTC પર થશે. ભારતીય સમય (IST) મુજબ આ સમય 28 ઓગસ્ટના રોજ સવારે 6.53 થી બપોરે 12.32 વાગ્યાની વચ્ચેનો રહેશે.

ભારતીય ખગોળપ્રેમીઓ માટે માઠા સમાચાર એ છે કે, આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. જે સમયે ચંદ્રને ગ્રહણ લાગશે, તે સમયે ભારતમાં સૂર્ય પ્રકાશિત હશે અને દિવસ હશે. દિવસના અજવાળાને કારણે આ ખગોળીય ઘટના ભારતમાં દ્રશ્યમાન થશે નહીં. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે ગ્રહણ દેખાતું નથી, તેનો સૂતક કાળ પણ માન્ય રહેતો નથી.

આ અદભૂત બ્લડ મૂન ઉત્તર અને દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકાના પશ્ચિમ ભાગો, પૂર્વી પ્રશાંત મહાસાગર અને એટલાન્ટિક ક્ષેત્રમાં સ્પષ્ટપણે જોઈ શકાશે.

Exit mobile version