Site icon Revoi.in

શિક્ષકો પાસે કૂતરાં ગણાવવાની વાત પાયાવિહોણી, જાણો હકીકત શું છે?

રખડતાં કૂતરાં - dogs

રખડતાં કૂતરાં - dogs

Social Share

ગાંધીનગર, 14 ફેબ્રુઆરી, 2026 – શિક્ષકો પાસે કૂતરાંની ગણતરી કરાવવા અંગે પ્રસિદ્ધ અને પ્રસારિત થયેલા અહેવાલોને સરકાર દ્વારા પાયાવિહોણા ગણાવવામાં આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે આ અંગે સુપ્રીમ કોર્ટના આદેશનું યોગ્ય અર્થઘટન કરીને સ્પષ્ટતા કરી છે કે, શિક્ષકો પાસે આવી કામગીરી કરાવવાની ક્યાંય વાત જ નથી.

રાજ્યના વિવિધ વર્તમાનપત્રો અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચાર, જેમાં જણાવવામાં આવ્યું છે કે “સરકાર હવે શિક્ષકો પાસે રખડતાં કૂતરાં પણ ગણાવશે” – જે અનુસંધાને કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ સમાચારો તદ્દન સત્યથી વેગળા અને પાયાવિહોણા છે.

હકીકત શું છે?

શિક્ષણ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટના તા. ૦૭/૧૧/૨૦૨૫ના Suo Moto Writ Petition (CIVIL) No: 5/2025 આદેશ મુજબ, તમામ સાર્વજનિક સંસ્થાઓ અને કેમ્પસમાં શ્વાનોની સુરક્ષા અને વ્યવસ્થા અંગે સૂચનાઓ આપવામાં આવી છે.

જેથી ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરના તા. ૦૩/૦૨/૨૦૨૬ના પત્રથી સુપ્રીમ કોર્ટના આદેશોનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવાના હેતુસર શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, બસ સ્ટેશન અને અન્ય જાહેર કચેરીઓના કેમ્પસમાં રખડતા શ્વાનોનો સર્વે કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જે અંતર્ગત શિક્ષણ વિભાગના તા. ૧૧/૦૨/૨૦૨૬ના પત્ર મુજબ કમિશનર શાળાઓની કચેરીના તાબા હેઠળની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, કચેરીઓ, કેમ્પસ વગેરે વિસ્તારોમાં આદેશ મુજબની કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે. જેમાં આ કામગીરી માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો કે અન્ય કર્મચારીઓએ કરવાની રહેશે એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

આમ, રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ વિભાગને આ બાબતે સૂચના મળતા, અત્રેની કચેરીએ જાહેરહિતમાં જરૂરી સૂચના પ્રસિદ્ધ કરી છે. ઉક્ત તમામ બાબતો ધ્યાને લેતા ગુજરાત રાજ્યના જુદા જુદા વર્તમાનપત્રોની આવૃત્તિમાં આ અંગે પ્રસિધ્ધ થયેલા સમાચાર સત્યથી વેગળા છે, તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચોઃ મહાશિવરાત્રી : વૈજ્ઞાનિક અને ખગોળીય મહત્તાનો અભ્યાસ

Exit mobile version