Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટીની મેડિકલ વિદ્યાશાખાની દ્વિતિય વર્ષની પરીક્ષા હવે 23મી ડિસેમ્બરથી લેવાશે

Social Share

અમદાવાદઃ  ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મેડિકલ કોલેજોમાં બીજા વર્ષની પરીક્ષા આગામી 2 ડિસેમ્બરથી શરૂ થવાની હતી. આ પરીક્ષા પાછળ લઇ જવા માટે વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. જેથી યુનિવર્સિટી દ્વારા 2 ડિસેમ્બરે શરૂ થનારી પરીક્ષા 23મી ડિસેમ્બરથી લેવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ સિવાય અન્ય પેરા મેડિકલની પરીક્ષાઓ પણ 9મી ડિસેમ્બરથી લેવાનો નિર્ણય કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને  ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગાઉ 22મી નવેમ્બરથી શરૂ થનારી પરીક્ષા 13મી ડિસેમ્બર અને 8મી ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષા 27મી ડિસેમ્બરથી લેવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત મેડિકલની બીજા વર્ષની પરીક્ષા 2 ડિસેમ્બરથી લઇને 10મી  ડિસેમ્બરે લેવા માટેનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો હતો. રાજ્યમાં આજ દિવસો દરમિયાન વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું હોવાથી મેડિકલની પરીક્ષા પાછળ લઇ જવા માટે વિદ્યાર્થીઓ અને એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તાજેતરમાં આ મુદ્દે કુલપતિને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. એબીવીપીએ આ મુદ્દે રજૂઆત કરતાં પરીક્ષા પાછળ લઇ જવામાં આવશે તે નક્કી હતું. અપેક્ષા અનુસાર યુનિવર્સિટીએ આજે મેડિકલની પરીક્ષા પાછળ લઇ જવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

મેડિકલ ફેકલ્ટીના ડીનના જણાવ્યા મુજબ સૌથી મોટી સેકન્ડ એમબીબીએસની પરીક્ષા જે 2 ડિસેમ્બરથી શરૂ થવાની હતી તે હવે 23મી ડિસેમ્બરથી લેવાનો નિર્ણય કર્યો છે. પરીક્ષા માટેનો નવો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા પાછળ લઇ જવાની સાથે બે પરીક્ષા વચ્ચે એક દિવસની રજા આપવાની પણ માગણી કરી હતી. જેના અનુસંધાનમાં 23મી ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષા 30મી ડિસેમ્બર સુધી લેવામાં આવશે. દરેક પરીક્ષા વચ્ચે એક દિવસની રજા આપવાના બદલે બે પરીક્ષા એટલે કે બે દિવસની પરીક્ષા પછી એક દિવસની રજા આપવામાં આવી છે. એટલે કે 23 અને 24મીએ પરીક્ષા લીધા બાદ 25મીએ રવિવાર હોવાથી રજા આવશે. આજ રીતે 26 અને 27મી ડિસેમ્બરે પરીક્ષા બાદ 28મીએ એક દિવસની રજા આપવામાં આવી છે. આમ, પરીક્ષાનો કાર્યક્રમ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે વચ્ચે બે રજા આવે છે. આ ઉપરાંત અન્ય પેરા મેડિકલ કે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે તેની પરીક્ષા પણ 9મી ડિસમ્બરથી લેવામાં આવશે.