Site icon Revoi.in

ગાંધીનગરના માલધારીઓ માની ગયા, મ્યુનિ, સહયોગ આપે તો ઢોરને રખડતા મુકીશું નહીં

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં નાના-મોટા શહેરોના જાહેર રસ્તાઓ પર ઢોર નિયંત્રણ કાયદાને રદ કરાયા બાદ પણ હજુ માલધારીઓ સરકાર સામે અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગાંધીનગરના માલધારીઓએ સામેથી શહેરના મેયર સાથે મિટિંગ કરીને સરકાર એનિમલ હોસ્ટેલ કે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરે ત્યાં સુધી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પૂરતો સહયોગ આપશે. શહેરમાં પશુઓને જાહેરમાં ખુલ્લાં નહીં છોડવાની તૈયારી બતાવવામાં આવી છે.

ગુજરાત ગૌ પાલક હિતરક્ષક સમિતિ,  ગોકુળપુરા સેક્ટર 14  દ્વારા ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા સાથે મહત્ત્વની મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં માલધારીઓએ સામૂહિક રીતે પશુઓને શહેરમાં છુટ્ટા નહીં મૂકવાની તૈયારી દર્શાવી હતી. આ અંગે સમિતિના રઘુભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેરમાં વર્ષોથી રહેતા માલધારી સમાજ પશુધન રાખી દૂધ,દહી,ઘી,છાસનો વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જેમ જેમ શહેર મોટું થતું જાય છે એમ એમ શહેરની આજુ બાજુના ગામડાઓ શહેરમાં સમાવિષ્ટ થતો જાય છે, ગાયોના ગૌચર પણ ઘટી રહ્યા છે. તાજેતરમાં રાજ્ય સરકારે ચોમાસુ વિધાનસભા સત્રમાં ‘ઢોર નિયંત્રણ કાયદો’ નું બિલ રદ કર્યું છે. ત્યારે સમાજની પણ ફરજ છે કે શહેરીજનોને અગવડ પડે નહીં તેની તકેદારી રાખવી જોઈએ. રોડ ઉપર પશુધનથી થતા અકસ્માત થાય છે એનું દુઃખ માલધારી સમાજને પણ છે. જે અન્વયે ગાંધીનગરમાં પશુધન રાખતાં માલધારી સમાજના લોકોની મિટિંગ યોજાઈ હતી. જેમાં ત્રણસો જેટલા માલધારી ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટિંગમાં સામૂહિક રીતે નક્કી કરાયું હતું કે, જો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માલધારી સમાજ અને પશુધનને સહયોગ આપે તો માલધારી સમાજ પણ મ્યુનિ. કોર્પોરેશનને પૂરો પૂરો સહયોગ આપશે.જ્યાં સુધી સરકાર એનિમલ હોસ્ટેલ કે વૈકલ્પિક વ્યવસ્થા ના કરે ત્યાં સુધી ગાંધીનગર શહેર ની હદમાં ક્યાંય પણ રોડ ઉપર પશુધન નહિ દેખાય એમાં પશુધન રાખતો માલધારી સમાજ પૂરેપૂરો સહયોગ આપશે. જેનાં માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સહયોગ આપે અને ગાંધીનગરમાં પશુધન રાખતા માલધારીઓ સાથે મિટિંગ કરે અને બંને પક્ષે એકબીજાને સહયોગ કરીએ તો શહેરમાં ફરતાં પશુઓની સમસ્યાનું નિરાકરણ લાવી શકીએ. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર કોર્પોરેશન તંત્ર માલધારીઓને સહયોગ આપે તો રાજયની અન્ય સાત નગરપાલિકાને પણ માલધારીઓ સાથે બેઠક યોજીને રખડતા પશુઓ મામલે હકારાત્મક નિરાકરણ લાવવાની પ્રેરણા મળી રહેશે.