Site icon Revoi.in

ઝારખંડમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓને રાજ્ય સરકાર આપશે આર્થિક સહાય

Social Share

દિલ્હીઃ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓના પરિવારજનોને રૂ. 50 હજારની આર્થિક સહાય આપવામાં આવી રહી છે. જો કે, ઝારખંડ સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓના પરિવારજનોને રૂ. 50-50 હજારની સહાયની જાહેરાત કરી છે. આ અંગે ઝારકંડના આરોગ્ય મંત્રી બન્ના ગુપ્તાએ સોશિયલ મીડિયા ઉપર જાણકારી આપી હતી. ઝારખંડમાં કોરોનાથી લગભગ 5141 વ્યક્તિઓના મોત થયાં છે.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, અમે કોવિડથી મૃત્યુ પામેલા સ્વજનોની અછતને પુરી કરી શકતા નથી, પરંતુ આ દુઃખની ઘડીમાં અમે તમામ પીડિત પરિવારોની સાથે ઊભા છીએ. ‘બન્ના ગુપ્તાએ કહ્યું કે તમામ ડેપ્યુટી કમિશનરોને એક સપ્તાહની અંદર રકમનું વિતરણ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ વળતર રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બિહારમાં સીએમ નીતિશ કુમારની સરકારે કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓના પરિવારજનોને રૂ. ચાર-ચાર લાખની સહાય આપવાનો નિર્ણય લીધો હતો. આમ બિહારમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીના પરિવારજનોને રૂ. સાડા ચાર લાખની સહાય મળશે. ગુજરાતમાં પણ હાલ કોરોનામાં મૃત્યુ પામાનાર દર્દીઓના પરિવારજનોને આર્થિક સહાયની કામગીરી ચાલી રહી છે. હજારો લોકોએ  સહાય માટે અરજી કરી હોવાનું જાણવા મળે છે.