Site icon Revoi.in

બેલેટ પેપર દ્વારા મતદાન સહિતની તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી

Social Share

નવી દિલ્હી: ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) વડે 100 ટકા વોટ વેરિફિકેશનની માગણી કરતા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે શુક્રવારે VVPAT સ્લિપના મેચિંગ સંબંધિત તમામ અરજીઓને ફગાવી દીધી હતી.

કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, પરિણામ જાહેર થયાના 7 દિવસની અંદર ઉમેદવાર ફરીથી ચકાસણીની માંગ કરી શકે છે. એન્જિનિયરો માઇક્રોકન્ટ્રોલરની મેમરી તપાસશે. આ તપાસનો ખર્ચ ઉમેદવારે ભોગવવાનો રહેશે. જો કોઈપણ અનિયમિતતા સાબિત થશે તો ખર્ચ કરેલ નાણાં પરત કરવામાં આવશે.

ચુકાદો સંભળાવતી વખતે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે ચૂંટણી પંચને મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું, “ભવિષ્યમાં VVPAT સ્લિપમાં બાર કોડને ધ્યાનમાં લેવો જોઈએ.” બેંચ સમક્ષ આપવામાં આવેલી અરજીઓમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ગત સુનાવણી દરમિયાન જ કોર્ટે આ મામલામાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

આ દરમિયાન બેન્ચે ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને કહ્યું, “અમે ખોટા સાબિત થવા માંગતા નથી પરંતુ અમારા તારણો વિશે સંપૂર્ણ ખાતરી કરવા માંગીએ છીએ.” આ કારણોસર અમે સ્પષ્ટતા માંગવાનું વિચાર્યું..’ વાસ્તવમાં, VVPAT એક સ્વતંત્ર વોટ વેરિફિકેશન સિસ્ટમ છે. આના દ્વારા મતદારો જાણી શકશે કે તેમનો મત એ જ વ્યક્તિને ગયો છે કે જેને તેમણે મત આપ્યો છે.