Site icon Revoi.in

ભાવનગર જિલ્લામાં મગફળી, બાજરી અને તલના ઉનાળું વાવેતરમાં થયો વધારો

Social Share

ભાવનગરઃ ગોહિલાડ પંથકમાં ભર ઉનાળે માવઠાનો માહોલ છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાંપટા પડ્યા હતા. દરમિયાન ખેડુતોએ તે રવિ સીઝન પૂર્ણ થતાં જ ઉનાળું વાવણી શરૂ કરી દીધી છે. ઉનાળુ પાકના વાવેતરમાં આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે છે.  ભાવનગર જિલ્લામાં 51,700 હેકટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે. માર્ચ માસમાં ભાવનગર જિલ્લામાં ઉનાળુ પાકના વાવેતરમાં 33  હજાર હેકટરનો વધારો થયો છે. જેમાં મગફળી, ડુંગળી, બાજરી, તલ વિગેરે મુખ્ય છે. આ વખતે બાજરી અને તલના વાવેતરમાં વધારો થયો છે.

જિલ્લાના કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં ઉનાળુ પાકના વાવેતરમાં મુખ્ય પાક મગફળી, બાજરી અને તલ હોય છે. જેમાં ઉનાળા આરંભે જ ગરમી પડવા લાગી છે, ત્યારે કુલ વાવેતર 51,700 હેકટરમાં થયું છે. જે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ છે. ભાવનગર જિલ્લામાં ઘાસચારાનું વાવેતર 20,000 હેકટરમાં થયું છે. માર્ચના આરંભે ભાવનગર જિલ્લામાં કુલ ઉનાળુ વાવેતર 18,400 હેકટર હતુ તે હવે વધીને 51,700 હેકટર થઇ ગયું છે. ભાવનગર જિલ્લામાં ડુંગળીનુ઼ કુલ વાવેતર 5900 હેકટર થઇ ગયું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં ઉનાળુ વાવેતર શરૂ થયું છે. જેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ બાજરીનું વાવેતર નોંધાયું છે. ત્યારબાદ મગફળી, મગ અને ડુ઼ગળીનું વાવેતર નોંધાયું છે. આ ઉપરાંત ઘાસચારો અને શાકભાજીનું વાવેતર પણ વધ્યું છે. ભાવનગર જિલ્લામાં હાલ ઉનાળુ વાવેતર હજુ પણ શરૂ છે. જેનો 15 એપ્રિલ સુધીમાં ફાઈનલ રિપોર્ટ આવશે. હાલ જો ઉનાળુ પાકની વાત કરવામાં આવે તો સૌથી વધુ બાજરીના પાકનું વાવેતર થયું છે. ભાવનગર જિલ્લામાં ઉનાળુ પાકમાં મુખ્યત્વે મગફળી અને ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. આ વર્ષે પણ જિલ્લામાં તલના પાકનું વધુ વાવેતર નોંધાયું છે. ત્યારબાદ ઘાસચારાનું વાવેતર નોંધાયું છે, અને શાકભાજીનું વાવેતર પણ કરવામાં આવ્યું છે.