Site icon Revoi.in

ઉનાળામાં અમૃત સમાન છે આ 5 દેશી શરબત, લૂ અને ગરમીથી આપશે ત્વરિત રાહત

Social Share

ઉનાળાનો પારો જેમ જેમ વધી રહ્યો છે, તેમ તેમ શરીરને હાઇડ્રેટ રાખવું પડકારજનક બની રહ્યું છે. ફ્રિજનું સીધું ઠંડુ પાણી પીવાને બદલે ભારતીય ઘરોમાં વર્ષોથી વપરાતા કુદરતી શરબતો માત્ર શરીરને ઠંડુ જ નથી રાખતા, પણ ઇલેક્ટ્રોલાઇટ્સની પૂર્તિ કરી તરત જ એનર્જી પણ આપે છે. આ શરબતો પાચનમાં સુધારો કરે છે અને લૂ (હીટસ્ટ્રોક) થી પણ બચાવે છે.

બીલીનું શરબત ઉનાળા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે પેટને ઠંડક આપે છે અને પાચનતંત્ર માટે વરદાન સમાન છે. પાકેલા બીલીનો ગરભ કાઢી તેને પાણીમાં મેશ કરી લો. રેસા અલગ કરી ગાળી લો. હવે તેમાં સ્વાદ મુજબ ગોળ અથવા ખાંડ, સંચળ, કાળા મરી અને શેકેલા જીરાનો પાવડર ઉમેરી બરફ સાથે સર્વ કરો.

પ્રોટીનથી ભરપૂર સત્તુનું શરબત એ ‘દેશી એનર્જી ડ્રિંક’ છે. તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. એક ગ્લાસમાં 2-3 ચમચી સત્તુ (શેકેલા ચણાનો લોટ) લો, તેમાં ઠંડુ પાણી અને બરફ ઉમેરી ઓગાળી લો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, લીંબુનો રસ, સંચળ અને જીરું પાવડર ઉમેરો.

વરિયાળી આંખો અને પેટ માટે ઠંડક આપનારી છે. આ શરબત એસિડિટીમાં પણ રાહત આપે છે. વરિયાળીને આખી રાત પલાળી રાખો. બીજા દિવસે તેને મિક્સરમાં પીસી લો. આ મિશ્રણને સાકર (ધાગેવાલી મિશ્રી) ના ચાસણી જેવા પાણી સાથે ઉકાળી સિરપ બનાવી લો. આ સિરપને તમે દૂધ કે પાણી સાથે મિક્સ કરીને પી શકો છો.

ખસ એ એક સુગંધિત ઘાસ છે જેની પ્રકૃતિ અત્યંત ઠંડી હોય છે. ખસના મૂળને બરાબર ધોઈ 20 મિનિટ પાણીમાં ઉકાળો. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી ઘટ્ટ ચાસણી તૈયાર કરો. આ કુદરતી સિરપમાં તમે ઈચ્છો તો ફૂડ કલર ઉમેરી શકો છો. ગ્લાસમાં આ સિરપ લઈ ઠંડુ પાણી ઉમેરી માણો.

ગુલાબનું શરબત મનને શાંતિ અને શરીરને સ્ફૂર્તિ આપે છે. દેશી ગુલાબની પાંખડીઓને પાણીમાં ઉકાળો. તેને ગાળીને તેમાં ખાંડ અને થોડું લીંબુ ઉમેરી સિરપ તૈયાર કરો. તમે બજારમાં મળતા ગુલાબના સિરપનો પણ ઉપયોગ કરી શકો છો. પાણી કે દૂધ સાથે આ શરબત અદભૂત લાગે છે.

ઉનાળામાં બને ત્યાં સુધી ખાંડને બદલે દેશી સાકર અથવા ગોળનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે, જે શરીરની ગરમીને કુદરતી રીતે ઓછી કરવામાં મદદ કરે છે.

Exit mobile version