Site icon Revoi.in

આ ખાદ્ય પદાર્થો તમને સમય કરતાં વહેલા વૃદ્ધ બનાવી શકે છે: ખરાબ લાઇફસ્ટાઇલથી નાની ઉંમરે ગંભીર બીમારીઓનું જોખમ

Social Share

આજકાલની ભાગદોડભરી અને ખરાબ લાઇફસ્ટાઇલ તેમજ ખોટા ખાન-પાનના કારણે નાની ઉંમરે જ લોકો અનેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે. સમયની સાથે શરીરના સેલ્સ (કોષો) અને ટિશ્યૂમાં કુદરતી બદલાવ આવે છે, જેના કારણે શરીરની શક્તિ ધીમે-ધીમે ઘટવા લાગે છે. પરંતુ, તબીબી નિષ્ણાતોનું માનવું છે કે આપણી રોજિંદી ખાવા-પીવાની આદતો આ પ્રક્રિયાને ખૂબ જ ઝડપી બનાવી દે છે. એક તરફ બેલેન્સ અને હેલ્ધી ડાયટ લાંબા સમય સુધી યુવાન અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, તો બીજી તરફ કેટલાક એવા ફૂડ પ્રોડક્ટ્સ છે જેનું નિયમિત સેવન શરીરમાં સોજો વધારે છે, ત્વચાને સમય પહેલા વૃદ્ધ બનાવે છે અને આયુષ્ય ઘટાડે છે.

ખૂબ જ ઊંચા તાપમાને તળેલી વસ્તુઓનું નિયમિત સેવન કરવાથી શરીરમાં ‘ફ્રી રેડિકલ્સ’ બને છે. આ ફ્રી રેડિકલ્સ શરીરના સેલ્સને ભારે નુકસાન પહોંચાડે છે અને ત્વચાની ઇલાસ્ટિસિટી (સ્થિતિસ્થાપકતા) ઘટાડે છે, જેના કારણે નાની ઉંમરે કરચલીઓ, સોજો અને ખીલની સમસ્યા વધે છે.

સફેદ બ્રેડ જેવા રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ શરીરમાં એવા તત્વો બનાવે છે જેને ‘એડવાન્સ્ડ ગ્લાઇકેશન એન્ડ પ્રોડક્ટ્સ’ (AGEs) કહેવામાં આવે છે. આ તત્વો શરીરમાં આંતરિક સોજો વધારે છે અને ઘરડા થવાની પ્રક્રિયાને વેગ આપે છે.

શરીર માટે મીઠું જરૂરી છે, પરંતુ તેનો અતિરેક નુકસાનકારક છે. વધારે પડતું મીઠું ખાવાથી શરીરમાં વોટર રિટેન્શન (પાણી ભરાઈ રહેવું) ની સમસ્યા થાય છે. આનાથી ત્વચા શુષ્ક દેખાવા લાગે છે અને વહેલી વૃદ્ધાવસ્થાના લક્ષણો દેખાય છે.

વધારે પડતો તીખો અને મસાલેદાર ખોરાક શરીરમાં બળતરા અને સોજો વધારે છે. તેનાથી ત્વચા લાલ થઈ જવી અને ખીલ થવા જેવી સમસ્યાઓ વધે છે, જે લાંબા ગાળે ત્વચા પર ઉંમરની અસર વહેલી દર્શાવે છે.

રિફાઇન્ડ શુગર (ખાંડ) શરીરમાં કોલેજન અને ઇલાસ્ટિનને ભારે નુકસાન પહોંચાડે છે. આ બંને તત્વો ત્વચાને મુલાયમ અને લચીલી રાખવા માટે જવાબદાર છે. વધુ પડતી ખાંડ વજન વધારવાની સાથે અન્ય બીમારીઓ પણ લાવે છે.

બહારના જંક ફૂડમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ વધુ હોય છે. તે લોહીની ધમનીઓને કડક બનાવી દે છે, જેના કારણે ત્વચા સુધી બ્લડ સર્ક્યુલેશન (લોહીનો પ્રવાહ) ઘટી જાય છે અને ચહેરા પર સમય પહેલા કરચલીઓ આવી જાય છે.

કેફીન શરીરમાંથી પાણીને બહાર ધકેલવાનું કામ કરે છે. દિવસ દરમિયાન વધુ પડતી કોફી કે ચા પીવાથી શરીરમાં પાણીની અછત (ડિહાઇડ્રેશન) સર્જાય છે, જેથી ત્વચા નિસ્તેજ અને બેજાન બને છે. એક્સપર્ટ્સ કોફીની સાથે પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપે છે.

દારૂનું નિયમિત સેવન શરીરમાં ઝેરી પદાર્થો (ટોક્સિન્સ) જમા કરે છે, જેની સીધી અસર લિવર પર પડે છે. લિવર નબળું પડતાં શરીર કચરો બહાર કાઢી શકતું નથી, પરિણામે ત્વચામાં શુષ્કતા અને કોલેજનની ઉણપ સર્જાય છે.

Exit mobile version