[અલકેશ પટેલ] 1 જૂન, 2026
દુનિયાની ભાવિ સલામતી માટે આ બે પુસ્તક સીમાચિહ્ન સાબિત થઈ શકે તેમ છે…અને આ વાતને સમજવા માટે સૌથી પહેલાં આ વિધાન વાંચો- “સભ્યતાઓ માત્ર સૈન્યના જોરે નથી હારી જતી, પરંતુ એ ત્યારે તૂટી પડે છે જ્યારે એ સભ્યતાઓ તેમના દરવાજા ભેદીને અંદર ઘૂસી ગયેલા વિચારોને ઓળખવામાં નિષ્ફળ જાય છે.”
– આ વિધાન એક એવાં લેખિકાનું છે જેઓ છેલ્લા ઘણા દાયકાથી ઇસ્લામ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક સંશોધન કરી રહ્યાં છે. મૂળ કેનેડાના લેખિકા એલેન એલિંગરે (Elaine Ellinger) છેલ્લા બે વર્ષમાં બે પુસ્તક લખ્યાં છે જેમાં ઇસ્લામ વિશે, ખાસ કરીને જેહાદી માનસિકતા વિશે જે મતમતાંતર પ્રવર્તે છે તેની વ્યાપક સંશોધન સાથે છણાવટ કરી છે.
એલેન અમેરિકા અને યુરોપ સહિત પશ્ચિમના દેશોને ઇસ્લામના વિવિધ પાસા, ખાસ કરીને શરિયા પ્રથા અને તેને કારણે પશ્ચિમના દેશોમાં બદલાઈ રહેલી સ્થિતિ વિશે ઘણા સમયથી ચેતવણી આપી રહ્યા છે. આ માટે તેઓ સંશોધનપત્રો પ્રકાશિત કરી રહ્યાં છે, લેક્ચર આપી રહ્યાં છે.
રાજકારણીઓની મત-લક્ષી નીતિ સામે લાલબત્તી
તેઓ ખાસ કરીને પશ્ચિમના રાજકારણીઓને સાવધ કરવા મથામણ કરી રહ્યાં છે કેમ કે રાજકારણીઓની મત-લક્ષી નીતિઓને કારણે મુસ્લિમોને આશ્રય આપવામાં આવે છે. આશ્રય લીધા પછી સ્થાનિક લોકો અને સંસ્કૃતિ સાથે ભળવાને બદલે તેઓ તેમની સંખ્યા વધવાની રાહ જુએ છે અને પછી શરિયા લાગુ કરવાનું શરૂ કરે છે- તેમ જણાવી કેનેડિયન લેખિકા એલેન એલિંગર જણાવે છે કે, સંગઠિત સમુદાય બનીને આ લોકો જે તે દેશના કાયદાને જ માનવાનો સાફ ઈનકાર કરીને પોતાના કાયદા લાગુ કરવા દબાણ કરે છે. અને પછી શું થાય છે એ સૌ જાણે છે.
આ જ સંદર્ભમાં એલેને બે પુસ્તક લખ્યાં છેઃ A Civilizational Reckoning: Understanding the Threat, Reclaiming the Future (2025) તથા The Hidden Curriculum of Islamic Schools: From Prayer to Sharia – A Child’s Indoctrination (2026).
આ પુસ્તકો પશ્ચિમના દેશો માટે તો આંખ ઉઘાડનારાં છે જ, પરંતુ ભારત સહિત પૂર્વના દેશો માટે પણ અગમચેતી સમાન છે. લેખિકા તેમના પુસ્તક ‘એ સિવિલાઈઝેશનલ રેકનિંગ’માં સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, શરિયા એ વાસ્તવમાં 7મી સદીની કાનૂની વ્યવસ્થા છે. અર્થાત તેને પંથ, સંપ્રદાય, ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી.
થોડા સમય પહેલાં એક વીડિયો ઈન્ટર્વ્યુમાં (જુઓ અહીં – https://youtu.be/0eD__2kf68I?si=OYH10-aPliSn3CHM ) તેમણે કહ્યું હતું કે, સાચી વાત એ છે કે, ઘણી મોટી સંખ્યામાં મુસ્લિમો અને તેમાંય ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ પોતે આવી બધી બાબતોથી અજાણ છે અને તે ગુંગળામણ અનુભવે છે.
‘એ સિવિલાઈઝેશનલ રેકનિંગઃ અંડરસ્ટેન્ડિંગ ધ થ્રેટ, રિક્લેમિંગ ધ ફ્યુચર’ પુસ્તક વિશેઃ
‘એ સિવિલાઈઝેશનલ રેકનિંગ’ (A Civilizational Reckoning) પુસ્તકમાં એ બાબતે વ્યાપક છણાવટ કરવામાં આવી છે કે કેવી રીતે શરિયા – જે 7મી સદીની કાનૂની વ્યવસ્થા છે – તે પશ્ચિમી સંસ્કૃતિ, સંસ્થાઓ અને સ્વતંત્રતાને દ્રશ્ય અને અદ્રશ્ય બંને રીતે છિન્નભિન્ન કરીને નવો આકાર આપી રહી છે. પ્રાથમિક ઇસ્લામિક સ્ત્રોતોના સંદર્ભો સાથે વ્યાપકપણે સંશોધન સાથે લખાયેલું આ પુસ્તક કોઈના પ્રત્યે નફરત ફેલાવવાને બદલે વાસ્તવમાં મહત્ત્વપૂર્ણ માર્ગદર્શક સૈદ્ધાંતિક સ્પષ્ટતા અને કાયદાકીય ઉકેલ પ્રદાન કરે છે; જે નીતિ નિર્ધારકો, વિદ્વાનો અને નાગરિકોને અન્ય સમુદાયોના માનવ અધિકારો અને સ્વતંત્રતા સામેના આ ગંભીર પડકારને સમજવા અને તેનો સામનો કરવા માટે સક્ષમ બનાવે છે.
‘ધ હિડન કરિક્યુલમ ઑફ ઈસ્લામિક સ્કૂલ્સ: ફ્રોમ પ્રેયર ટુ શરિયા – અ ચાઇલ્ડ્સ ઇન્ડોક્ટ્રિનેશન
એ જ રીતે ‘ધ હિડન કરિક્યુલમ ઑફ ઈસ્લામિક સ્કૂલ્સ: ફ્રોમ પ્રેયર ટુ શરિયા – અ ચાઇલ્ડ્સ ઇન્ડોક્ટ્રિનેશન’ પુસ્તકમાં ધોરણ 1 થી 12 સુધીની ઇસ્લામિક શાળાઓના અભ્યાસક્રમની વિગતવાર સમીક્ષા કરવામાં આવી છે.
પાઠ્યપુસ્તકો, વર્કબુક, પૂરક વાચન પુસ્તકો, હદીસ, તફસીર, ફિકહ મેન્યુઅલ અને અન્ય પાયાના ઇસ્લામિક સ્ત્રોતોમાંથી સીધી માહિતી લઈને આ પુસ્તક મુસ્લિમ બાળકોને ઓળખ, આજ્ઞાપાલન, બિન-મુસ્લિમો, જેહાદ, શરિયા, લૈગિંક ભૂમિકા, સત્તા તથા વ્યાપક વિશ્વ વિશે શું શીખવવામાં આવે છે તેની સમીક્ષા આ પુસ્તકમાં કરવામાં આવી છે.
દરેક શૈક્ષણિક ધોરણના આધારે કરવામાં આવેલા આ વિશ્લેષણમાં માહિતી સંતાડવાની પદ્ધતિ, પસંદગીનું માળખું, વર્તણૂકલક્ષી ઘડતર અને વૈચારિક જડતા માટેની વારંવાર પુનરાવર્તિત થતી પેટર્નની સમીક્ષા કરવામાં આવી છે. આ અભ્યાસક્રમની સરખામણી કુરાન, પ્રમાણભૂત હદીસ સંગ્રહો, ઇબ્ને કથીર, અલ-તબારી, ઇબ્ને ઇશાક અને ‘રિલાયન્સ ઑફ ધ ટ્રાવેલર, અ ક્લાસિક મેન્યુઅલ ઑફ ઇસ્લામિક સેક્રેડ લૉ’ સહિતના પ્રાથમિક ઇસ્લામિક સ્ત્રોતો સાથે કરવામાં આવી છે. આ સરખામણી દર્શાવે છે કે કેવી રીતે જટિલ કાનૂની અને સૈદ્ધાંતિક વિભાવનાઓને પુનરાવર્તન, ધાર્મિક વિધિઓ અને વાર્તા કથન દ્વારા બાળકોમાં ધીમે-ધીમે દૃઢ કરી દેવામાં આવે છે.
સામાન્ય વાચકો અને સંશોધકો બંને માટે સરળ ભાષામાં લખાયેલું આ પુસ્તક વાસ્તવમાં એક અભ્યાસ દસ્તાવેજ છે કે કેવી રીતે ઇસ્લામિક શૈક્ષણિક સામગ્રી વૈશ્વિક દ્રષ્ટિકોણ, સામુદાયિક ઓળખ અને બિન-મુસ્લિમો પ્રત્યેના વલણને આકાર આપે છે.
અહીં મહત્ત્વનો મુદ્દો એ છે કે આ સાથે આ પુસ્તક વિદ્યાર્થીઓ તથા તેનો અભ્યાસ કરનારાઓને પાયાના ગ્રંથોમાં જોવા મળતા ઘણા કાનૂની, રાજકીય અને ઐતિહાસિક પરિણામોની જાણકારીથી સદંતર દૂર રાખે છે.
કોણ છે એલેન એલિંગર?
પ્રારંભમાં કહ્યું તેમ એલેન એલિંગર કેનેડિયન સંશોધક, લેખિકા અને શિક્ષક છે. તેઓ ઇસ્લામિક સિદ્ધાંતો અને તેનાં પરિણામો વિશે અભ્યાસ કરીને ખાસ કરીને બિન-મુસ્લિમો અને સાથે સાથે સંવેદનશીલ મુસ્લિમોને પરોક્ષ રીતે સાવધાન કરે છે. 1983માં તેમણે શરણાર્થીઓ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું ત્યારે આ વિષયમાં તેમનો રસ જાગ્યો અને તે સંશોધનની દિશામાં આગળ વધ્યો.
તેમણે 80થી વધુ લેખ લખ્યા છે, આંતરરાષ્ટ્રીય પરિષદોમાં વક્તવ્ય આપ્યાં છે અને ઇસ્લામના જ અધિકૃત સ્રોતોનો ઉપયોગ કરીને શરિયા, જેહાદ અને દાવાના વૈચારિક આધારની વિગતો આપતી શૈક્ષણિક વીડિયો શ્રેણી તૈયાર કરી છે. એલેન ‘પર્સ્પેક્ટિવ્સ ઑન ઇસ્લામ’ના સ્થાપક છે અને અગાઉ ‘સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ પોલિટિકલ ઇસ્લામ ઇન્ટરનેશનલ’માં કેનેડિયન ડાયરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યાં છે.
તેમની સૌથી મોટી નિસબત એ છે કે, પશ્ચિમી સંસ્થાઓ અને વ્યવસ્થા જેમ કે, મીડિયા, શાળાઓ, અદાલતો અને સરકારોની અંદર શરિયાની પહોંચ વધી રહી છે અને છતાં આ સિદ્ધાંતની વિવેચનાત્મક તપાસ કરવામાં રાજકારણીઓ નિષ્ફળ જઈ રહ્યા છે.

