શ્રીનગર, 25 મે 2026: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને ટેરર ફંડિંગ વિરુદ્ધ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ફરી એકવાર મોટી કાર્યવાહી હાથ ધરી છે. એનઆઈએની ટીમોએ જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં સઘન દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી મુખ્યત્વે શોપિયાં જિલ્લાના બે સ્થળો અને શ્રીનગરના એક સ્થળે કરવામાં આવી રહી છે. જેમાં ગયા મહિને ગેરકાયદેસર જાહેર કરાયેલી સંસ્થા ‘દારુલ ઉલૂમ સિરાઝુલ ઉલૂમ’નો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, શોપિયાંમાં પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઇસ્લામીના પૂર્વ પ્રમુખના ઘરે પણ એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદ સાથે જોડાયેલા નેટવર્ક, ઓવરગ્રાઉન્ડ વર્કર્સ અને શંકાસ્પદ ટેરર-ફંડિંગ ગતિવિધિઓ પર સકંજો કસવાના અભિયાન હેઠળ શ્રીનગર અને ખીણના દક્ષિણ ભાગોમાં એકસાથે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન જમાત-એ-ઇસ્લામીના પૂર્વ પ્રમુખ શહેઝાદા ઔરંગઝેબના નિવાસસ્થાને પણ બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી.
અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, એનઆઈએની ટીમોએ શોપિયાંના ઈમામ સાહિબ વિસ્તારમાં આવેલી આ શિક્ષણ સંસ્થામાં વહેલી સવારે દરોડા પાડ્યા હતા. નોંધનીય છે કે આ સંસ્થા સેંકડો વિદ્યાર્થીઓને ધાર્મિક અને ઔપચારિક એમ બંને પ્રકારનું શિક્ષણ પ્રદાન કરે છે. આ સાથે જ શ્રીનગરમાં પણ અન્ય સ્થળો પર એનઆઈએની કાર્યવાહી યથાવત છે. શંકાસ્પદ વ્યક્તિઓ સાથે સંકળાયેલા રહેણાંક પરિસરોની પણ તલાશી લેવામાં આવી રહી છે. આ ઓપરેશનમાં એનઆઈએની ટીમોને જમ્મુ-કાશ્મીર પોલીસ અને અર્ધલશ્કરી દળોનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.
આ દરોડા ખીણમાં રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા અને ટેરર ફંડિંગના શંકાસ્પદ નેટવર્કને તોડી પાડવાના હેતુથી કરવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્રનો આરોપ છે કે કેટલીક સંસ્થાઓ અને વ્યક્તિઓ યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને પ્રતિબંધિત સંગઠનોના એજન્ડાને આગળ વધારવા માટે જમીન તૈયાર કરી રહ્યા હતા. સૂત્રો મુજબ, આ કાર્યવાહી દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે, જેની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી ૨૦૨૪માં, ગેરકાનૂની ગતિવિધિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ જમાત-એ-ઇસ્લામી જમ્મુ-કાશ્મીર પર લાગેલા પ્રતિબંધને વધુ પાંચ વર્ષ માટે લંબાવીને તેને ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કર્યું હતું.
આ પણ વાંચોઃ અસમ વિધાનસભામાં હિમંત સરકારે રજૂ કર્યું UCC બિલ: વિપક્ષનો ભારે હોબાળો


