અમદાવાદ, 30 સપ્ટેમ્બર 2026: અમદાવાદીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2026ના પ્રથમ નવ મહિના દરમિયાન અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા (એક્યુઆઈ) અત્યંત નીચલા સ્તરે પહોંચી ગઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે આ 9 મહિનાના સમયગાળામાં એક પણ દિવસ AQI ‘ગુડ’ (સારી) કેટેગરીમાં નોંધાયો નથી. શહેરમાં કુલ 178 દિવસ AQI ‘મોડરેટ’ (મધ્યમ), 48 દિવસ ‘ખરાબ’, 43 દિવસ ‘અનહેલ્ધી’ અને 2 દિવસ ‘સિવિયર’ (અત્યંત ગંભીર) કક્ષાએ રહ્યો છે.
જાન્યુઆરીથી મે 2026 દરમિયાન અમદાવાદનો સરેરાશ AQI મોડરેટ કેટેગરીમાં રહ્યો હતો, જેમાં એકલા એપ્રિલ મહિનાના 30માંથી 24 દિવસ પ્રદૂષિત નોંધાયા હતા. હવે સપ્ટેમ્બરના છેલ્લા 10 દિવસોમાં ફરી એકવાર PM 2.5 અને PM 10ના સ્તરમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. શહેરમાં ચાલી રહેલા સતત બાંધકામો, ઉદ્યોગોમાંથી નીકળતો ઝેરી ધુમાડો, તૂટેલા રસ્તાઓ અને ખુલ્લી જમીનમાંથી ઊડતી ધૂળને કારણે હવામાં પ્રદૂષણનું પ્રમાણ જોખમી રીતે વધી રહ્યું છે.
શહેરમાં વાહનોની સતત વધતી સંખ્યાને કારણે સવાર અને સાંજના ‘પીક અવર્સ’ દરમિયાન સ્થિતિ વધુ વણસી રહી છે. ટ્રાફિક જામ, વાહનોનું ઉત્સર્જન અને કન્સ્ટ્રક્શન સાઈટ્સની ધૂળ ભેગી થવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને આંખોમાં બળતરા, ગળામાં ખારાશ, સતત ઉધરસ તેમજ શ્વાસ લેવામાં તકલીફ જેવી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, લાંબા સમય સુધી આવી પ્રદૂષિત હવામાં રહેવું ખાસ કરીને બાળકો, વૃદ્ધો તેમજ હૃદય અને શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. વધતું પ્રદૂષણ શહેરના ટ્રાફિક મેનેજમેન્ટ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા કરી રહ્યું છે.
- મણિનગર અને ગ્યાસપુરમાં સૌથી વધુ પ્રદૂષણ
અમદાવાદમાં હવાની ગુણવત્તા માપવા માટે કુલ 9 એર મોનિટરિંગ સ્ટેશન આવેલા છે, જેમાંથી હાલ 8 સ્ટેશન કાર્યરત છે. સરકારી આંકડાઓ મુજબ, આ આઠ સ્ટેશનોમાંથી મણિનગર અને ગ્યાસપુર વિસ્તારના મોનિટરિંગ સ્ટેશન પર AQIના આંકડા સૌથી વધુ ઊંચા અને જોખમી સ્તરે નોંધાઈ રહ્યા છે.


