Site icon Revoi.in

ચીનમાં કોરોના પ્રતિબંધિતોથી પરેશાન લોકોનો અવાજ બન્યું મિથુન ચક્રવતિનું જાણીતું આ ગીત…

Social Share

નવી દિલ્હીઃ ચીનમાં 2019ના અંતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. પરંતુ લગભગ ત્રણ વર્ષ પછી પણ કોરોના વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં લોકોના જીવનને ખરાબ રીતે અસર કરી રહ્યો છે. જિનપિંગ સરકારના કડક નિયંત્રણોથી પરેશાન લોકો વિરોધની નવી રીત અપનાવી રહ્યા છે. હાલમાં મિથુન ચક્રવર્તીની ફિલ્મનું એક ગીત ચીનમાં જોરદાર હિટ થઈ રહ્યું છે. હકીકતમાં, ચીનના લોકો પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે 1982માં રિલીઝ થયેલી મિથુન ચક્રવર્તીની ફિલ્મ ડિસ્કો ડાન્સરના સુપરહિટ ટ્રેકનો ઉપયોગ કરી રહ્યા છે. સરકારના કડક COVID-19 પ્રતિબંધોના વિરોધમાં ચીનમાં ટૂંકા વિડિયો પ્લેટફોર્મ પર ડિસ્કો ડાન્સર્સના કેટલાક વીડિયો જોવા મળ્યા છે.

ડિસ્કો ડાન્સર ફિલ્મનું ક્લાસિક ગીત ‘જિમ્મી જીમી આજા આજા’ લોકડાઉન અને કોવિડ પ્રતિબંધોથી પરેશાન ચીની નાગરિકો માટે અવાજ બની ગયું છે. લોકો ગીત પર નૃત્ય કરી રહ્યાં છે… ગાય છે અને પ્રતિબંધો સામે તેમનો અસંતોષ વ્યક્ત કરી રહ્યાં છે. ડિસ્કો ડાન્સરનું આ ગીત બપ્પી લાહિરીએ કમ્પોઝ કર્યું હતું અને પાર્વતી ખાને ગાયું હતું.

બપ્પી લાહિરીના સંગીતથી સુશોભિત, પાર્વતી ખાનનું ગીત ‘જીમી, જીમી’ ચાઈનીઝ સોશિયલ મીડિયા સાઈટ ‘ડુયિન’ (ટિકટોકનું ચાઈનીઝ નામ) પર મેન્ડરિન ભાષામાં ગાવામાં આવી રહ્યું છે. ‘જી મી, જી મી’ નો અનુવાદ કરીએ તો તેનો અર્થ થાય છે ‘મને ચોખા આપો, મને ચોખા આપો’. આ વીડિયોમાં લોકો ખાલી વાસણો બતાવીને કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે લોકડાઉન દરમિયાન ખોરાકની અછતની સ્થિતિ કેટલી ખરાબ છે.

આ ગીતનું મેન્ડરિનમાં પણ ભાષાંતર કરવામાં આવી રહ્યું છે. જેનો અંગ્રેજીમાં અર્થ થાય છે, “મને ચોખા આપો? મને ચોખા કોણ આપી શકે? મારી પાસે તે સમાપ્ત થઈ ગયું છે. વધુ ચોખા આપવાની જરૂર નથી, મારા પરિવારમાં માત્ર થોડા સભ્યો છે.” એવું જોવામાં આવી રહ્યું છે કે લોકો તેમની સરકારને કડક પ્રતિબંધો હટાવવાની અપીલ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં માત્ર થોડાક કોરોના કેસ હોવા છતાં આખું શહેર સીલ કરી દેવામાં આવ્યું છે.

આ વીડિયો હજુ પણ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે, જ્યારે સામાન્ય રીતે દેશની સરકારની ટીકા કરતા વીડિયોને તરત જ હટાવી દેવામાં આવે છે. નોંધનીય છે કે ભારતીય સિનેમા હંમેશા ચીનમાં લોકપ્રિય રહ્યું છે અને 1950-60ના દાયકામાં રાજ કપૂરની ફિલ્મોથી લઈને ‘3 ઈડિયટ્સ’, ‘સિક્રેટ સુપરસ્ટાર’, ‘હિન્દી મીડિયમ’, ‘દંગલ’ અને ‘અંધાધૂન’ પણ અહીં જ દર્શાવવામાં આવી હતી.

જીમીના ગીતના ઘણા વર્ઝન સોશિયલ મીડિયા પર લાખો વખત જોવામાં આવ્યા છે. આ ગીત ખાસ કરીને ચીનના Tiktok વર્ઝન Douyin પર ખૂબ જ લોકપ્રિય છે. વીડિયોમાં નેટીઝન્સ હાથમાં ખાલી વાસણો લઈને ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. આટલું જ નહીં, તેમાંથી ઘણાએ સાડીઓ પણ પહેરી છે. ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (CPC)ના નેતૃત્વ અથવા નીતિઓ સામે કોઈ અવાજ ઉઠાવે નહીં તેની ખાતરી કરવા માટે સોશિયલ મીડિયા પર નજીકથી નજર રાખવામાં આવે છે.