Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ, જનજીવનને વ્યાપક અસર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે વરસાદી માહોલ જામ્યો છે, દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે જનજીવનને વ્યાપક અસર થઈ હતી. ભારે વરસાદને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને વ્યાપક અસર થી છે. દરમિયાન બારડોલીના 10 અને પલસાણાના 4 માર્ગો વાહન-વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યાં હતા.

દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન સુરત, વલસાડ, તાપી અને નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન સુરત જિલ્લામાં છેલ્લા 25 કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ કામરેજમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે પલસાણામાં પાંચ, માંડવીમાં ચાર, બારડોલી અને મહુવામાં ત્રણ અને સુરત અને માંગરોળમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે એનડીઆરએફ સહિતની રેસ્ક્યુ ટીમને સાબદી રાખવામાં આવી છે.

સુરતમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જેથી જનજીવનને અસર થઈ હતી. સુરતમાં મેઘાની તોફાની ઇનિંગના પગલે ઉધના-નવસારી રોડ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં સુરત, નવસારી, વલસાડ, તાપી જિલ્લો અને સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે સુરતમાં મેઘાની તોફાની ઇનિંગ હાલ જોવા મળી રહી છે.