માર્ચ 2026માં રંગોના પર્વ હોળીની ઉજવણી થવા જઈ રહી છે. હોળી અને ધૂળેટીના પર્વ પર પરંપરાગત ઠંડાઈ તો દરેક ઘરમાં બનતી હોય છે, પરંતુ જો તમે આ વખતે કંઈક અલગ અને ફ્રેશ પીણું મહેમાનોને પીરસવા માંગતા હોવ તો ‘મોકટેલ્સ’ શ્રેષ્ઠ વિકલ્પ છે. મોકટેલ્સ સ્વાદમાં વાઈબ્રન્ટ હોય છે અને ઠંડાઈ જેટલા ભારે પણ નથી હોતા. હોળી પાર્ટી માટે નીચે મુજબના 5 સ્પેશિયલ મોકટેલ્સ તમે ઘરે પણ સહેલાઈથી બનાવી શકો છો:
મિન્ટ મોજીતો : રિફ્રેશિંગ ડ્રિંક્સમાં મિન્ટ મોજીતો સૌથી વધુ લોકપ્રિય છે. એક ગ્લાસમાં 8-10 ફુદીનાના પાન, લીંબુના ટુકડા અને દળેલી ખાંડ નાખીને તેને મડલર (ક્રશ કરવાના સાધન)થી બરાબર ક્રશ કરો. હવે તેમાં ક્રશ કરેલો બરફ, સોડા અને થોડો લીંબુનો રસ ઉમેરો. સ્વાદ મુજબ સંચળ નાખીને બરાબર હલાવો. તૈયાર છે તમારું મિન્ટ મોજીતો.
ક્યુકમ્બર બેસિલ સ્પ્રીટ્ઝર: ગરમીના વાતાવરણમાં કાકડી અને તુલસીના પાનમાંથી બનેલું આ ડ્રિંક શરીરને ઠંડક આપે છે. એક ગ્લાસમાં છીણેલી કાકડી અને તુલસીના પાન લો. તેને ક્રશ કરીને તેમાં લીંબુનો રસ અને મધ ઉમેરો. હવે ગ્લાસમાં બરફના ટુકડા અને ક્લબ સોડા ઉમેરીને ઠંડુ-ઠંડુ સર્વ કરો.
શર્લી ટેમ્પલ મોકટેલઃ જો તમને ક્લાસિક સ્વીટ ડ્રિંક પસંદ હોય, તો આ બેસ્ટ છે. એક ગ્લાસને બરફના ટુકડાઓથી ભરી દો. તેમાં ગ્રેનાડીન સિરપ અને લીંબુનો રસ ઉમેરો. હવે તેમાં આદુનો રસ (જિંજર એલ) અથવા સ્પાઈટ અથવા 7-અપ સોડા ઉમેરી બરાબર મિક્સ કરો. ગાર્નિશિંગ માટે ચેરી અથવા નારંગીની સ્લાઈસ વાપરી શકાય.
એપલ માર્ટીનીઃ આ એક ઉત્તમ ખાટું-મીઠું નોન-આલ્કોહોલિક પીણું છે. એક શેકરમાં સફરજનનો જ્યુસ, લીંબુનો રસ અને તજનું સિરપ ઉમેરો. બરફના ટુકડા નાખીને જોરથી શેક કરો. તમે ઈચ્છો તો ઉપરથી થોડો લેમન-લાઈમ સોડા ઉમેરી શકો છો.
ટ્રોપિકલ ક્રીમી મોકટેલઃ જો તમને ક્રીમી ટેક્સચર પસંદ હોય, તો આ મોકટેલ ઠંડાઈનો ઉત્તમ પર્યાય બની શકે છે. નારિયેળનું દૂધ , પાઈનેપલ જ્યુસ અને કેરીના પલ્પને એકસાથે બ્લેન્ડ કરો. આ ડ્રિંક તમને બીચ લોકેશન જેવો અહેસાસ કરાવશે અને તેનો સ્વાદ અત્યંત વાઈબ્રન્ટ હોય છે.

