ગાંધીનગર, 4 મે, 2026 – ગુજરાત ભાજપના ટોચના નેતાઓએ આજે પશ્વિમ બંગાળ સહિત પાંચ રાજ્યમાં આવેલા ચૂંટણી પરિણામ બાદ રસગુલ્લા એકબીજાને ખવડાવીને હરખ વ્યક્ત કર્યો હતો.
પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં યોજાયેલી ચૂંટણીનાં પરિણામ આજે સવારથી આવવાના શરૂ થયા હતા. આ પાંચ પૈકી ત્રણ રાજ્ય પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપ-એનડીએની જીત થઈ રહી છે. તે ઉપરાંત ગુજરાતમાં ઉમરેઠ વિધાનસભા માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમારની પણ જીત થઈ છે.
જોકે, બપોરે પશ્ચિમ બંગાળની સ્થિતિ સ્પષ્ટ થયા બાદ ગુજરાત ભાજપના ટોચના નેતાઓ સર્વ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (મુખ્યમંત્રી, જગદીશભાઈ વિશ્વકર્મા (પ્રદેશ ભાજપ પ્રમુખ), હર્ષભાઈ સંઘવી (નાયબ મુખ્યમંત્રી), જીતુભાઈ વાઘાણી (કૃષિ મંત્રી), પ્રશાંતભાઈ કોરાટ, ડૉ. અનિલભાઈ પટેલ તથા પ્રશાંતભાઈ વાળા સહિત નેતાઓ ગાંધીનગરમાં શ્રીકમલમ ખાતે એકત્ર થયા હતા અને પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
આ પણ વાંચોઃ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજ્ય, હર્ષદ પરમારની જીત
પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી સહિત નેતાઓએ આજનાં પરિણામો પ્રત્યે આનંદ વ્યક્ત કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય નેતાગીરીમાં વિશ્વાસ વ્યક્ત કરનાર બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પત્રકાર પરિષદ પૂરી થયા બાદ નેતાઓએ એકબીજાને સુપ્રસિદ્ધ બંગાળી મીઠાઈ રસગુલ્લા એકબીજાને ખવડાવીને ચૂંટણી પરિણામોને આવકાર્યા હતા.

