Site icon Revoi.in

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જામશે ત્રિપાંખીયો જંગ, ‘આપ’ ઉમેદવારોને ઉતારશે મેદાનમાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે. ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારશે. જે માટે આપ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અન્ય ત્રીજી કોઈ પાર્ટીને ભૂતકાળની ચૂંટણીમાં મોટી સફળતા મળી નથી. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો પાયો મજબુત કરવામાં સફળ રહે છે કે કેમ તેઓ આગામી દિવસોમાં જ ખબર પડશે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ચૂંટણી લડશે. આગામી ચૂંટણીને ધ્યાને લઇને ગુજરાતમાં ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પાર્ટીની સાથે જોડાયેલા અને જેમને પાર્ટીની અંદર જે યોગદાન આપ્યું છે, તેવા કાર્યકર્તાઓએ કરેલા કામ, પાર્ટીની અંદર આપેલા યોગદાનના આધારે અને સમાજની અંદર રહેલા યોગદાનને આધારે આમ આદમી પાર્ટી ઉમેદવારોને પસંદ કરવા જઈ રહી છે અને ટૂંક સમયમાં જ આમ આદમી પાર્ટી ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરશે.

ગોપાલ ઈટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી પાસે સારામાં સારી બાબત એ છે કે, અમારી પાસે કામની વાત છે અને કરેલા કામના ઉદાહરણ છે. ભાજપ અને કોંગ્રેસ પાસે ચૂંટણી જીતવા માટેના હાથકંડાઓ છે. અમે જે દિલ્હીમાં કર્યું તે જ અહીંયા કરવા માંગીએ છીએ. આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા આ તમામ જગ્યા પર ચૂંટણી લડવા માટે તૈયાર છે અને તેના માટે ઉમેદવારને શોધવાની પ્રક્રિયા અને પાર્ટીનો પ્રચાર પણ ચાલી રહ્યો છે.