ઉનાળાની સીઝનમાં કેરીમાંથી અવનવી વાનગીઓ અને ડેઝર્ટ બનાવવામાં આવે છે, પણ શું તમે ક્યારેય ‘મેંગો રસમલાઈ’ ચાખી છે? જો નહિ, તો આ મેંગો સીઝનમાં તમારે આ અદ્ભુત સ્વીટ ડીશ જરૂર ટ્રાય કરવી જોઈએ. આ રસમલાઈ બનાવવાની રીત પરંપરાગત રસમલાઈ જેવી જ છે, બસ તેની રબડીમાં પાકેલી કેરીની પ્યુરે ઉમેરવાની હોય છે. ઘરમાં બાળકોથી લઈને વડીલો સુધી બધાને આ ડેઝર્ટ ખૂબ જ પસંદ આવશે.
સામગ્રી
રસમલાઈના બોલ્સ (પનીર) માટે: ઘરનું બનેલું તાજું 200 ગ્રામ પનીર, બે મોટી ચમતી ખાંડ, બે નંગ વાટેલી એલચી
રબડી માટે: 3થી 4 કપ દૂધ, કેસરના તાંતણ (ગરમ દૂધમાં પલાળેલા), પોણો કપ ખાંડ, અડધો કપ પાકેલી કેરીની પ્યુરે
ગાર્નિશિંગ માટેઃ પાકેલી કેરીના ઝીણા ટુકડા, સમારલા ડ્રાયફ્રુટસ (પિસ્તા, બદામ, કિસમિસ, ચારોળી)
મેંગો રસમલાઈ બનાવવાની રીત
સૌથી પહેલા પનીરને એક વાસણમાં લઈને હાથથી સારી રીતે મસળી લો. તેને 8-10 મિનિટ સુધી હથેળીની મદદથી ત્યાં સુધી ગૂંથો જ્યાં સુધી તે એકદમ મુલાયમ અને ચીકણું ન થઈ જાય. પનીર એટલું સ્મૂધ હોવું જોઈએ કે તેના બોલ્સ બનાવતી વખતે તેમાં સહેજ પણ તિરાડ ન દેખાય. હવે આ પનીરમાંથી એકસરખા નાના-નાના ભાગ પાડી લો. તેને હથેળી વચ્ચે ગોળ ફેરવીને હલકા હાથે દબાવીને થોડા ચપટા (પેંડા જેવો આકાર) કરી લો. એક મોટા વાસણમાં પાણી, 2ચમચી ખાંડ અને વાટેલી એલચી નાખીને ઉકાળો. પાણી બરાબર ઉકળી જાય એટલે તેમાં તૈયાર કરેલા પનીરના બોલ્સ સાવચેતીપૂર્વક મૂકો. વાસણને ઢાંકીને મીડિયમ ફ્લેમ પર 10-12 મિનિટ સુધી પકાવો. પનીરના બોલ્સ ફૂલીને એકદમ સોફ્ટ થઈ જશે. ત્યારબાદ ગેસ બંધ કરી તેને રૂમ ટેમ્પરેચર પર સંપૂર્ણપણે ઠંડા થવા દો.
એક કડાઈ કે મોટા વાસણમાં દૂધ ઉકાળો. દૂધ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ધીમી આંચ પર 5-7 મિનિટ સુધી પકાવો. હવે આ ઉકળતા દૂધમાં કેસરવાળું દૂધ, ખાંડ અને સમારેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને બરાબર મિક્સ કરો. જ્યારે આ દૂધનું મિશ્રણ સંપૂર્ણપણે ઠંડુ થઈ જાય, ત્યાર પછી જ તેમાં પાકેલી કેરીની પ્યુરે ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો, જેથી ટેક્સચર એકદમ સ્મૂધ અને ક્રીમી થઈ જાય. હવે પનીરના બોલ્સને ચાસણીમાંથી કાઢી, હલકા હાથે દબાવીને વધારાનું પાણી નિતારી લો અને તેને આ તૈયાર કરેલી મેંગો રબડીમાં ઉમેરો. થોડીવાર માટે તેને દૂધમાં જ રહેવા દો જેથી રસમલાઈ બધો સ્વાદ સોસી લે. આ મેંગો રસમલાઈને 2-3 કલાક માટે ફ્રિજમાં ઠંડી કરવા મૂકો. સર્વ કરતી વખતે ઉપરથી કેરીના ઝીણા ટુકડા અને સમારેલા ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીને ઠંડી-ઠંડી પીરસો.
ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
પનીરનું પરફેક્ટ ટેક્સચર: પનીરને બરાબર ગૂંથવું ખૂબ જ જરૂરી છે. જો પનીર મુલાયમ નહીં થાય તો રસમલાઈ સોફ્ટ નહીં બને અને ચાસણીમાં તૂટી શકે છે.
દૂધ ફાટવાથી બચાવો: ખાસ ધ્યાન રાખવું કે દૂધ સંપૂર્ણપણે ઠંડુ થઈ જાય પછી જ કેરીની પ્યુરે ઉમેરવી. ગરમ દૂધમાં પ્યુરે નાખવાથી દૂધ ફાટી જવાની શક્યતા રહે છે.
રબડીની કન્સિસ્ટન્સી: રબડીનું ટેક્સચર મલાઈદાર હોવું જોઈએ, પરંતુ તે બહુ ઘટ્ટ ન હોવું જોઈએ. સહેજ પાતળી રાખવી જેથી પનીરના બોલ્સ રસને સરળતાથી અંદર સુધી સોસી શકે.
ખાસ સલાહ: કેટલાક લોકો પનીરની સાથે જ મેંગો પ્યુરે મિક્સ કરીને બોલ્સ બનાવે છે, પરંતુ તેનાથી રસમલાઈ થોડી ચ્યુઈ (ચીકણી) બની શકે છે. તેથી દૂધમાં જ પ્યુરે ઉમેરવાની રીત બેસ્ટ છે.

