Site icon Revoi.in

ગુજરાત કોંગ્રેસને ઝટકોઃ હાર્દિક પટેલે તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું

Social Share

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના આગેવાન હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીથી નારાજ હોવાનું અને ગમે ત્યારે રાજીનામુ આપે તેવી અટકળો ચાલતી હતી. આ અટકળો ઉપર આજે પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે. હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે. હાર્દિક પટલે રાજીનામાનો પક્ષ સોશિયલ મીડીયામાં પણ શેર કર્યો હતો. હાર્દિક પટેલના રાજનામાથી ગુજરાતમાં કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ તરેહ-તરહેની અટકળો વહેતી થઈ છે.

હાર્દિક પટેલે પત્રમાં જણાવ્યું હતું કે, ”આજે હું હિંમતપૂર્વક કોંગ્રેસ પાર્ટીના હોદ્દા અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતના લોકો આવકારશે. મને વિશ્વાસ છે કે મારા આ પગલા પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ.”

હાર્દિક પટેલની કોંગ્રેસ પ્રત્યે નારાજગીના સૂર ઘણા સમયથી સાંભળવા મળી રહ્યા છે. આ પહેલા હાર્દિક પટેલે ટ્વીટર હેન્ડલ પરથી ‘કાર્યકારી અધ્યક્ષ, ગુજરાત કોંગ્રેસ’ હટાવ્યું હતુ. આ લખાણ કયા કારણને લઇને હટાવાયુ હતુ તે એક ચર્ચાનો વિષય બન્યો હતો. હાર્દિક પટેલના ટ્વીટર હેન્ડલ પરથી હટેલુ ‘કાર્યકારી અધ્યક્ષ, ગુજરાત કોંગ્રેસ’નું લખાણ તેમની કોંગ્રેસ તરફની નારાજગીને સૂચવી રહ્યાનું ચર્ચાતું હતું. હાર્દિક પટેલે અનેક વાર મીડિયા સમક્ષ કોંગ્રેસથી નારાજગી હોવાનું પણ જણાવ્યુ છે. હાર્દિક પટેલે મીડિયા સમક્ષ વારંવાર ગુજરાત કોંગ્રેસને લઇને અનેક સવાલો ઉઠાવેલા છે. જો કે આખરે આજે હાર્દિક પટેલે આ તમામ નારાજગી રાજીનામાના પત્ર થકી ઠાલવી હતી.

(Photo-File)