Site icon Revoi.in

લીંબડી નજીક નેશનલ હાઈવે પર બાઈક-ટ્રક વચ્ચેના જુદા જુદા અકસ્માતોમાં બેનાં મોત

Social Share

લીંબડીઃ અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક જુદા જુદા ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. જેમાં લીંબડીના પીજીવીસીએસની કચેરી નજીક હાઈવે પર પૂરફાટ ઝડપે આવેલા ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બીજો અકસ્માત હાઈવે પર કટારિયા ગામના પાટિયા નજીક સર્જાયો હતો. જેમાં આઈસરે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત નિપજ્યું હતું.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, લીંબડી નજીક પીજીવીસીએસની કચેરી પાસે હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત થયો હતો. જેથી લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હાઈવે પર અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં બનાવના સ્થળે દોડી ગયા હતા. અકસ્માતની ઘટના બાદ ટ્રકનો ડ્રાઇવર ટ્રક મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. જ્યારે હાઈવે પર અકસ્માતની ઘટનાના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હાઇવે ઉપર બંને બાજુ વાહનોની લાગી લાઈન લાગી હતી. પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી દૂર કરી હાઈવે પર જામ થયેલો ટ્રાફિક ચાલુ કરાવ્યો હતો.

અકસ્માતનો બીજો બનાવ  લીંબડી નજીક કટારિયા ગામના પાટિયા નજીક બન્યો હતો. લીંબડી તાલુકાના કટારિયા ગામના કિરીટભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ તેમનાં મિત્ર રણજીતભાઈ વજાભાઈ મેર રાત્રીના સમયે હાઈ-વે પર આવેલી હોટલે ચા-નાસ્તો કરવા માટે નીકળ્યા હતા. કટારિયા ગામના પાટિયા પાસે માતેલા સાંઢની ઝડપે આવતા આઈસર ચાલકે બાઈકને ટક્કર મારી હતી.અકસ્માત સર્જી આઈસર ચાલક ભાગી ગયો હતો. આકસ્માતના કારણે ગંભીર રીતે ઘવાયેલા રણજીતભાઈ મેરને લીબડી સરકારી હૉસ્પિટલે ખસેડ્યા હતા.જ્યાં હાજર ડૉક્ટરે રણજીતભાઈને મૃત જાહેરકર્યા હતા. આ બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિવારજનોએ સદગતની આંખોનું દાન કર્યું હતું.