રાજકોટ, 7 માર્ચ 2026: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે આજે એક હચમચાવી દેનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના મુખ્ય રસ્તા પરથી પસાર થતો 11 કેવીનો હાઈટેન્શન વીજ તાર અચાનક તૂટીને નીચે પડતા બે આશાસ્પદ યુવાનો તેની ઝપેટમાં આવી ગયા હતા. વીજળીના જીવતા તારના સંપર્કમાં આવતા જ જોરદાર કરંટ લાગવાથી બંને યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઘાંટવડ ગામના રસ્તા પરથી પસાર થતી 11 કેવીની હાઈટેન્શન લાઈનનો વાયર કોઈ કારણોસર તૂટીને માર્ગ પર પડ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા રવિભાઈ ચુડાસમા અને લાલાભાઈ ઝાલા નામના બે યુવકો અજાણતા આ જીવતા વીજ તારના સંપર્કમાં આવી ગયા હતા. હાઈ વોલ્ટેજ કરંટ હોવાથી યુવાનોને બચવાની તક પણ મળી ન હતી અને જોતજોતામાં બંનેના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતા જ આખું ગામ સ્થળ પર ઉમટી પડ્યું હતું અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ દુર્ઘટના બાદ ગ્રામજનોમાં પીજીવીસીએલ વિરુદ્ધ ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વીજ કંપની દ્વારા જૂના અને જર્જરિત તારોનું સમયસર મેન્ટેનન્સ કરવામાં આવતું નથી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં હાઈટેન્શન લાઈનો ભયજનક રીતે લટકતી હોય છે, જેની અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે. તંત્રની આ આળસને કારણે આજે બે પરિવારોએ પોતાના જુવાનજોધ દીકરાઓ ગુમાવ્યા છે.
બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને વીજ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે બંને યુવકોના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, વીજ વિભાગે પણ તાર તૂટવા પાછળના તાંત્રિક કારણોની તપાસ શરૂ કરી છે. હાલ તો ઘાંટવડ ગામમાં માતમ છવાયો છે અને મૃતકના પરિવારો ન્યાયની માંગ કરી રહ્યા છે.

