- પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ વચ્ચે સંરક્ષણ, ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મહત્વના કરારો
- યુએઈ ભારતમા 5 અબજ ડોલરનું રોકાણ કરશે
અબુ ધાબી, 15 મે 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના પ્રવાસે છે, જ્યાં તેમનું ભવ્ય અને અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત દરમિયાન પીએમ મોદીએ ભાવુક થતા કહ્યું કે, “તમારા સ્વાગત માટે હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. આજે મને એવું લાગે છે કે હું મારા બીજા ઘરે આવ્યો છું. આ લાગણી મારા જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે.”
ભારતના વડાપ્રધાનના સન્માનમાં યુએઈએ પરંપરા તોડીને ખાસ વ્યવસ્થા કરી હતી. વડાપ્રધાનનું વિમાન જ્યારે યુએઈની સીમામાં પ્રવેશ્યું, ત્યારે વાયુસેનાના એફ-16 જેટ વિમાનોએ તેમના વિમાનને એસ્કોર્ટ કરીને સુરક્ષા પૂરી પાડી હતી. આ બાબતે પીએમ મોદીએ કહ્યું કે, “આ ભારતની જનતા માટે ગૌરવ અને સન્માનની વાત છે.” એરપોર્ટ પર ખુદ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને પ્રોટોકોલ તોડીને PM મોદીનું સ્વાગત કર્યું હતું અને તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’ પણ આપવામાં આવ્યું હતું.
-
સંરક્ષણ અને ઊર્જા ક્ષેત્રે મહત્વના MoU પર હસ્તાક્ષર
બંને દેશો વચ્ચે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સંરક્ષણ, ઊર્જા, ગેસ સપ્લાય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટને લગતા અનેક મહત્વના કરારો (એમઓયુ) થયા હતા. બીજી તરફ યુએઈએ ભારતમાં 5 અબજ ડોલરના જંગી રોકાણની જાહેરાત પણ કરી છે. ખાસ કરીને એલપીજી સપ્લાય અને અન્ય ઊર્જા સ્ત્રોતો માટે થયેલા કરારો ભારતની સુરક્ષા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
પીએમ મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને અશાંતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઈરાન યુદ્ધ દરમિયાન યુએઈ પર થયેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરતા કહ્યું કે, “યુએઈને જે રીતે નિશાન બનાવવામાં આવ્યું છે તે જરા પણ સ્વીકાર્ય નથી. સંકટના સમયે ભારત મજબૂતીથી તમારા (યુએઈ) ની સાથે ઊભું છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે પશ્ચિમ એશિયાનું સંકટ એ આખી દુનિયાનું સંકટ છે અને ભારત હંમેશા વાતચીત તથા રાજદ્વારી ઉકેલના પક્ષમાં રહ્યું છે.
વડાપ્રધાને દરિયાઈ સુરક્ષા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, “હોર્મુઝના રસ્તાને ખુલ્લો અને સુરક્ષિત રાખવો એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવું અનિવાર્ય છે.” તેમણે મુશ્કેલ સંજોગોમાં સંયમ અને સાહસ બતાવવા બદલ યુએઈ ના રાષ્ટ્રપતિના નેતૃત્વની પ્રશંસા કરી હતી.
આ પણ વાંચોઃ કર્ણાટકના વિજયપુરામાં ભારે વરસાદને કારણે ઘરની છત તૂટી પડતાં ચારના મોત

