Site icon Revoi.in

ઈરાન-અમેરિકા યુદ્ધવિરામથી UAE નારાજ, અમીરાતની અવગણના થતા વિવાદ

Social Share

દુબઈ, 8 એપ્રિલ 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે જાહેર થયેલા બે સપ્તાહના યુદ્ધવિરામથી સમગ્ર વિશ્વમાં રાહતનો શ્વાસ લેવાઈ રહ્યો છે, પરંતુ ઈરાનનો પાડોશી દેશ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) આ જાહેરાતથી અત્યંત નારાજ અને દુખી જણાય છે. રસપ્રદ વાત એ છે કે, યુએઈની આ નારાજગી પાકિસ્તાનની ભૂમિકાને લઈને છે, કારણ કે આ સમગ્ર શાંતિ પ્રક્રિયામાં પાકિસ્તાને ‘મેસેન્જર’ (દૂત) તરીકેની ભૂમિકા ભજવી છે. અમીરાતે આ પ્રક્રિયાને પોતાની અવગણના અને એક પ્રકારનો ‘વિશ્વાસઘાત’ ગણાવ્યો છે.

રિપોર્ટ મુજબ, એક મહિનાથી વધુ ચાલેલા આ યુદ્ધમાં ઈરાને સૌથી વધુ નિશાન યુએઈને બનાવ્યું હતું. અમીરાતના સંરક્ષણ મંત્રાલયના આંકડા મુજબ, ઈરાને દુબઈ, શારજાહ અને અબુ ધાબી પર 2200 ડ્રોન અને 500 બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. જેમાં 10 અમીરાતી નાગરિકોના મોત થયા હતા. તેમજ 26 ક્રુઝ મિસાઈલો દ્વારા પણ અમીરાતના સંવેદનશીલ વિસ્તારો પર હુમલા કરાયા હતા.

અમીરાતી નિષ્ણાત અમજદ તાહાના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને સીઝફાયર પ્રક્રિયામાં અમેરિકાના ઈશારે કામ કર્યું પરંતુ યુએઈને વિશ્વાસમાં લીધું નથી. સીઝફાયરના સત્તાવાર સંદેશમાં પાકિસ્તાને યુએઈનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો નથી, જેણે સૌથી વધુ નુકસાન સહન કર્યું છે. મનારા સંસ્થાના ચેરમેન અલી અલ-નુએમી આ પ્રક્રિયાને વિશ્વાસઘાત ગણાવે છે. તેમના મતે, આટલા મોટા નિર્ણય પહેલા અમીરાત સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. પાકિસ્તાને માત્ર ઈરાન અને અમેરિકા વચ્ચે કડી બનીને અમીરાતના હિતોને બાજુ પર મૂકી દીધા છે. પોલિસી નિષ્ણાત અલ-ખલીફાના મતે, હોર્મુઝ જળમાર્ગ પર થયેલી ડીલ અમીરાતના પક્ષમાં નથી. પાકિસ્તાને આ મુદ્દે યુએનમાં વોટિંગથી દૂરી બનાવી રાખી હતી, પરંતુ ડીલ વખતે ઈરાનની શરતો સ્વીકારી લીધી, જે યુએઈ માટે મોટો ઝટકો છે.

વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, અમીરાત માત્ર બચાવ નહીં પણ વળતા પ્રહારની તૈયારી કરી રહ્યું હતું. યુએઈએ ઈરાની નાગરિકો પર પ્રતિબંધો લાદી દીધા હતા અને અમેરિકા સાથે મળીને ઈરાનના શાસનને નબળું પાડવાની યોજના બનાવી રહ્યું હતું. અમીરાત અને ઈરાન વચ્ચે 1905થી ત્રણ ટાપુઓ પર માલિકી હક મુદ્દે દુશ્મની ચાલી રહી છે. અમીરાત ઈચ્છતું હતું કે, હોર્મુઝ પર નિયંત્રણ માટે એક કાયમી સૈન્ય દળ બને, પરંતુ યુદ્ધવિરામે તેની આ આશા પર હાલ પૂરતું પાણી ફેરવી દીધું છે.

આ પણ વાંચોઃ ઈરાન-અમેરિકા યુદ્ધવિરામથી UAE નારાજ, અમીરાતની અવગણના થતા વિવાદ

Exit mobile version