Site icon Revoi.in

ઉદયપુરઃ ભારતીય સેનાની પાકિસ્તાન માટે જાસુસી કરનાર શખ્સ ઝડપાયો

Social Share

જયપુરઃ નુપુર શર્માના સમર્થન આપનાર શ્રમજીવી કન્હૈયાલાલની હત્યા હજુ ભુલાઈ નથી. દરમિયાન ઉદયપુરમાંથી પાકિસ્તાનના આઈએસઆઈ માટે જાસુસી કરતા એક શખ્સને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો છે. CID ઈન્ટેલિજન્સે BSF કેમ્પની માહિતી પાકિસ્તાનમાં ISIને મોકલનાર આરોપી નારાયણ લાલ નામના શખ્સને ઝડપી લીધો છે. નારાયણ ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો હતો.

પોલીસ મહાનિર્દેશક (ઈન્ટેલિજન્સ) ઉમેશ મિશ્રાએ કહ્યું કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી માટે રાજસ્થાનમાં જાસુસી પ્રવૃતિના નેટવર્કનો પ્રદાફાશ કરવા માટે રાજસ્થાન સીઆઈડી ઈન્ટેલિજન્સ દ્વારા ઓપરેશન સરહદ શરૂ કરવામાં આવ્યું છે. ઓપરેશન સરહદ હેઠળ વર્ષ 2022માં અત્યાર સુધીમાં 6 કેસ નોંધીને અલગ-અલગ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન ભીલવાડાના બમાલીના રહેવાસી નારાયણ લાલ ગાદરી (ઉ.વ 27) પણ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સતત સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી નારાયણની ગતિવિધિઓ પર સતત દેખરેખ શરૂ કરવામાં આવી હતી. જ્યારે શંકાસ્પદ નારાયણ જાસૂસી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું ખુલતા તેની ધરપકડ કરવામાં આવી.

સીઆઈડીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. આઈએસઆઈ સાથે જોડાયેલા એક વ્યક્તિના નારાયણ સંપર્કમાં હતો. તેને પૈસાની લાલચ આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કેસ જો તમે સિમ મોકલો તો તમને 2000 રૂપિયા મળશે. નારાયણે અત્યાર સુધીમાં લગભગ આઠ સીમકાર્ડ મોકલ્યાં હોવાનું ખૂલ્યું છે.

પાકિસ્તાની હેન્ડલિંગ ઓફિસરોએ નારાયણને હનીટ્રેપ અને પૈસાની લાલચ આપી હતી. નારાયણને ISI એજન્સી માટે ઉદયપુરમાં BSF કેમ્પ માટે જાસૂસી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તે છેલ્લા છ મહિનાથી આ કામ કરી રહ્યો હતો. નારાયણ અગાઉ ઉદયપુરમાં જંગલમાં કામ કરતો હતો, તેથી તેને તે વિસ્તારની જાણ હતી. નારાયણ અલગ-અલગ દિવસોમાં કેમ્પના લોકેશન, ટ્રેનિંગ મોડ્યુલ, હથિયારોના ફોટા, એન્ટ્રી પોઈન્ટ, બીએસએફ જવાનો-અધિકારીઓના આવવા-જવાની મુવમેન્ટના ફોટા પાકિસ્તાન મોકલ્યાં હતા.