Site icon Revoi.in

બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાથી UN ચિંતિત: દરેક નાગરિક સુરક્ષિત હોવો જોઈએ

Social Share

વોશિંગ્ટન: બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી ફાટી નીકળેલી હિંસા અને ખાસ કરીને લઘુમતી સમુદાયોને નિશાન બનાવવાની ઘટનાઓ પર સંયુક્ત રાષ્ટ્ર (UN) એ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. UNના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટેફન દુજારિકે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં રહેતા તમામ લોકો, ખાસ કરીને લઘુમતીઓ સુરક્ષિત અનુભવે તે અત્યંત અનિવાર્ય છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓની લિંચિંગ (ભીડ દ્વારા હત્યા) અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં દુજારિકે સ્પષ્ટ કર્યું હતું કે, “અમે બાંગ્લાદેશમાં જોવા મળી રહેલી હિંસાથી અત્યંત ચિંતિત છીએ. જે લોકો બહુમતી સમાજનો હિસ્સો નથી, તેમને પણ દેશમાં સંપૂર્ણ સુરક્ષા મળવી જોઈએ.” જોકે, તેમણે આશા વ્યક્ત કરી હતી કે મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વર્તમાન સરકાર દરેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરશે.

પ્રાપ્ત અહેવાલો મુજબ, ઈન્કલાબ મંચના યુવા નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ હિંસાની ઘટનાઓમાં તેજ ગતિએ વધારો થયો છે. ઓગસ્ટમાં શેખ હસીના સરકારના પતન બાદ શરૂ થયેલી અરાજકતા છેલ્લા બે અઠવાડિયામાં ફરી વકરી છે. અનેક એવા હિન્દુઓને પણ ભીડ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે જેમને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી, માત્ર તેમના ધર્મને કારણે તેઓ ભોગ બન્યા છે.

હિંસાના પડઘા અમેરિકામાં પણ પડ્યા છે. ભારતીય મૂળના અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની કરપીણ હત્યા પર દુઃખ વ્યક્ત કરતા તેને અસ્થિરતાનો ખતરનાક તબક્કો ગણાવ્યો હતો. જ્યારે સુહાસ સુબ્રમણ્યમ નામના અન્ય સાંસદે પણ લઘુમતીઓના ઘરો અને મંદિરો પર થઈ રહેલા હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે.

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર ઉચ્ચાયુક્ત વોલ્કર ટર્કે પણ ચેતવણી આપી છે કે બદલાની ભાવનાથી કરવામાં આવતી હિંસા સમાજમાં ઊંડી તિરાડ પાડશે. ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીઓ પહેલા દેશમાં એવું વાતાવરણ નિર્માણ પામે તે જરૂરી છે જ્યાં દરેક નાગરિક ભય વગર જીવી શકે.

Exit mobile version