Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલના ભાવમાં અસામાન્ય વધારાને લીધે ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં થયો વધારો

Social Share

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ સાતમા આસમાને પહોંચતા હવે લોકોને વાહન ચલાવવું મોંઘુ પડી રહ્યું છે. ત્યારે હવે લોકો પેટ્રોલ-ડીઝલના વાહનોને સ્થાને નવા ઈલેક્ટ્રિક વાહનો ખરીદી રહ્યા છે. તાજેતરમાં જ આવેલા ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ્સ ડીલર્સ એસોસિયેશનના આંકડા મુજબ, 2021-22 માં 4. 29 લાખ ઇલેક્ટ્રિક વાહનો વેચાયા છે. જે ગત વર્ષની સરખામણીએ ત્રણ ગણાનો વધારો બતાવે છે. વર્ષ 2020-21 માં 1. 34 લાખ ઇલેક્ટ્રિક વાહનો વેચાયા હતા, જયારે કે 2019-20 માં આ સંખ્યા 1. 68 લાખ પર પહોંચી હતી. આમ ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં સૌથી વધુ ઈલેક્ટ્રિક વાહનો સુરતમાં વેચાઈ રહ્યા છે. ઈલેક્ટ્રિક વાહનો ચલાવવામાં ખૂબ સસ્તા પડતા હોવાથી લોકો હવે પેટ્રોલ-ડીઝલના વાહનો છોડીને ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા લાગ્યા છે. જોકે ઈલેક્ટ્રિક વાહનોના ભાવ પેટ્રોલ-ડીઝલના વાહનો કરતા ખૂબ વધુ છે. એટલે હાલ તો શ્રીમંત વર્ગ જ ઈલે. વાહનો ખરીદી કરે છે. સરકાર દ્વારા વધુ રાહત આપવામાં આવે તો વેચાણમાં વધારો કરી શકાય તેમ છે.

સૂત્રોએ જણાવ્યું વધુમાં હતું કે, ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં સૌથી મોટો ઉછાળો ટૂ વહીલરની ખરીદીમાં આવ્યો છે. આ વર્ષે 2. 31 ઇલેક્ટ્રિક ટુવ્હીલર વેચાયા છે. પાછલા વર્ષે તો માત્ર 41, 046 ટુવ્હીલર વાહન જ વેચાયા હતા. ઇલેક્ટ્રિક ફોર વ્હીલરની વાત કરીએ તે, એક વર્ષ પહેલા માત્ર 4984 ફોર વ્હીલર વેચાયા હતા. જેનો આંકડો આ વર્ષે વધીને 17802 પહોંચ્યો છે.  અમદાવાદમાં પણ ઇલેક્ટ્રિક વાહનની ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે. આરટીઓ અધિકારીએ જણાવ્યું કે, વર્ષ 2020 માં માત્ર 344 ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. આંકડો 2021 માં વધીને આખા વર્ષમાં 1495 થયો છે. જયારે 2022 ના પ્રથમ 4 મહિનામાં જ 1468 લોકોએ ઇલેક્ટ્રિક વાહનો ખરીદ્યા છે.