Site icon Revoi.in

સંસદમાં હોબાળો: LPG સંકટ અને 8 સાંસદોના સસ્પેન્શન મુદ્દે લોકસભાની કાર્યવાહી સ્થગિત

Social Share

નવી દિલ્હી, 13 માર્ચ 2026: સંસદના લોકસભા ગૃહમાં આજે શુક્રવારે ભારે હોબાળો જોવા મળ્યો હતો. એલપીજીના વધતા ભાવો અને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવેલા 8 સાંસદોને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે વિરોધ પક્ષના સભ્યોએ ગૃહમાં ઉગ્ર દેખાવો કર્યા હતા. વિપક્ષના સતત હોબાળાને કારણે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી.

શુક્રવારે સવારે 11 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષના સાંસદો વેલમાં ધસી આવ્યા હતા. તેમણે એલપીજીની વધતી કિંમતો મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી હતી અને આ સાથે જ, ગૃહની મર્યાદા ભંગ કરવા બદલ સસ્પેન્ડ કરાયેલા 8 સાંસદોના સસ્પેન્શનને પરત ખેંચવાની માંગ સાથે સુત્રોચ્ચાર શરૂ કર્યાં હતા.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે હિન્દુઓ ઉપર 3 હજારથી વધારે હુમલા થયા, ભારત સરકારનો ખુલાસો

ગૃહમાં શાંતિ જાળવવાની અપીલ કરતા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “પ્રશ્નકાળ એ ગૃહનો સૌથી મહત્વનો સમય છે, જેમાં જનતાના અને ક્ષેત્રના પ્રશ્નો ઉઠાવીને સરકારની જવાબદારી નક્કી કરી શકાય છે. વિપક્ષ કહે છે કે તેમને બોલવા નથી દેવાતા, પણ જ્યારે બોલવાનો મોકો આપવામાં આવે છે ત્યારે તેઓ ગૃહમાં ગતિરોધ પેદા કરે છે. આ સંસદીય મર્યાદાની વિરુદ્ધ છે.”

સસ્પેન્ડ થયેલા સાંસદો અંગે સ્પીકર ઓમ બિરલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “જો ગૃહની અંદર મેજ પર ચઢશો, તો આવી શિસ્તભંગની કાર્યવાહી જ થશે. ગૃહની પવિત્રતા અને પ્રતિષ્ઠા જાળવવી એ દરેક સભ્યની જવાબદારી છે, પરંતુ વિપક્ષનું વર્તન ગૃહની ગરિમાને ઠેસ પહોંચાડી રહ્યું છે.” વિપક્ષ દ્વારા પ્રશ્નકાળ ન ચલાવવા દેતા અંતે સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરી દીધી હતી. સંસદીય ગતિરોધને કારણે અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા ટળી ગઈ છે, જેને લઈને હવે રાજકીય ગરમાવો વધી રહ્યો છે.

આ પણ વાંચોઃ ડીજીપીની નિમણૂકમાં વિલંબ નહીં ચાલે, સુપ્રીમ કોર્ટની રાજ્યોને ટકોર

Exit mobile version