નવી દિલ્હીઃ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા અને નકલી સમાચારો સાથે જોડાયેલો મુદ્દો અત્યંત ગંભીર છે. તેમણે કહ્યું કે બનાવટી સમાચારો લોકશાહી માટે ખતરો છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખોટી માહિતીઓ અને AI-જનરેટેડ ડીપફેક પર કડક કાર્યવાહી કરવાની તાત્કાલિક જરૂરિયાત છે. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક લોકો કે સમૂહો જે રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે, તેનાથી લાગે છે કે તેઓ ભારતના બંધારણ અથવા સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓનું પાલન કરવા માંગતા નથી. તેમણે આ મામલે કડક કાર્યવાહી અને સખત નિયમો બનાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
સંસદમાં એક પ્રશ્નનો ઉત્તર આપતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, હાલમાં જ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેમાં 36 કલાકની અંદર વીડિયો હટાવવાની જોગવાઈ પણ સામેલ છે. AI-જનિત ડીપફેકની ઓળખ કરવા અને તેના પર જરૂરી કાર્યવાહી કરવા માટે એક મુસદ્દા નિયમ પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે અને તેના પર વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે. તેમણે સંસદીય સમિતિના કાર્યની પ્રશંસા કરી અને કાનૂની માળખાને મજબૂત કરવા માટે મુખ્ય ભલામણોવાળો એક વિસ્તૃત અહેવાલ રજૂ કરવા બદલ ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને તમામ સભ્યોનો આભાર માન્યો હતો.
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે બનાવટી સમાચારો અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલા મુદ્દાઓમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને આપણી લોકશાહીની સુરક્ષા વચ્ચે એક નાજુક સંતુલન જાળવવાની જરૂર છે અને સરકાર આ સંતુલન જાળવવા માટે સંપૂર્ણ સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘ડિજિટલ ઇન્ડિયા’ પહેલે એક મોટો બદલાવ લાવ્યો છે અને ટેક્નોલોજીનું લોકશાહીકરણ કર્યું છે, જેના સકારાત્મક પ્રભાવોને સ્વીકારવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાએ પણ દરેક નાગરિકને એક મંચ પ્રદાન કર્યો છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને, સરકાર સંસ્થાઓ અને સમાજનો પાયો નાખનાર વિશ્વાસને મજબૂત કરવા માટે કામ કરી રહી છે.

