વોશિંગ્ટન, 10 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈઝરાયેલ આ યુદ્ધમાં નિર્ણાયક તબક્કે પહોંચી ગયા છે અને આ સંઘર્ષ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. ટ્રમ્પે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા કોઈપણ સંજોગોમાં ઈરાનને પરમાણુ હથિયાર બનાવવા દેશે નહીં.
યુદ્ધની વચ્ચે એક મોટા સમાચાર એ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે. આ વાતચીતમાં ઈરાન યુદ્ધને રાજદ્વારી રીતે ઉકેલવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જોકે, અમેરિકન ગુપ્તચર અહેવાલોએ સવાલ ઉઠાવ્યો છે કે, જ્યારે સૈન્ય હસ્તક્ષેપથી ઈરાનમાં સત્તા પરિવર્તન શક્ય નહોતું, તો પછી હુમલાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો? આ અહેવાલે વહીવટીતંત્રની રણનીતિ પર સવાલો ઉભા કર્યા છે.
આ યુદ્ધની સીધી અસર ભારતીય અર્થતંત્ર સહિત સમગ્ર વિશ્વ પર પડી રહી છે. યુદ્ધને પગલે કાચા તેલની કિંમતોમાં તેજ ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત અનિશ્ચિતતાને કારણે શેરબજારમાં કડાકો બોલાયો છે અને રોકાણકારોને મોટું નુકસાન થયું છે.
આ પણ વાંચોઃ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગરમીનો પારો ચડ્યો, હીટવેવની આગાહી

