Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ વિદ્યાર્થીને માર મારવાની ઘટના પાછળનું સત્ય વીડિયો બનાવનારે જાહેર કર્યું

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશના મુઝફરનગરમાં એક સ્કૂલમાં શિક્ષિકા દ્વારા એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ મારફતે માર મારવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વારયલ થયો છે, વિદ્યાર્થી લઘુમતી કોમનો હોવાની સાથે શિક્ષિકા લઘુમતી કોમ વિરુદ્ધ ઉચ્ચારણ કરતા હોવાના દાવા સાથે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને ઔવેસી સહિતના નેતાઓએ ભાજપ અને સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં છે. તેમજ આ વીડિયોને પગલે રાજકીય માહોલ ગરમાયો છો. આ વીડિયો પીડિત વિદ્યાર્થીના પિતરાઈ ભાઈએ જ બનાવ્યો હોવાનોનું સામે આવી રહ્યું છે. દરમિયાન પીડિત વિદ્યાર્થીના પિતા અને વીડિયો બનાવનાર વ્યક્તિએ ધર્મના નામે રાજકીય આક્ષેપ કરનારા રાજકીય નેતાઓને બોલતી બંધ કરતુ નિવેદન આપીને કહ્યું હતું કે, સમગ્ર ઘટનામાં ધર્મને કોઈ લેવા દેવા નથી.

સમગ્ર ઘટનાનો વીડિયો બનાવનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, શિક્ષીકાએ કોઈ ધર્મને લઈને ટીપ્પણી કરી ન હતી, આ વીડિયોનું ખોટુ અર્થઘટન કરીને કાવતરુ રચીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. ખુબ્બાસપુર ગામની સ્કૂલની ઘટનાનો વીડિયો બનાવનાર વિદ્યાર્થીએ આ મુદ્દે ખોટો વિવાદ ઉભો નહીં કરવા અપીલ કરી છે.

પીડિત વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે, ટીચર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પજો કે, ધર્મના કારણે મેરા દીકરાને માર મારવામાં નથી આવ્યો પરંતુ આ રીતે બાળકને માર મારવો યોગ્ય નથી. ટીચર સામે કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં ફરી કોઈ બાળક સાથે અત્યાચાર ના થાય. કેટલા કલાક મારા દીકરાને માર મારવામાં આવ્યો તેની કોઈ જાણકારી નથી. પીડિત વિદ્યાર્થીના પિતાએ કહ્યું હતું કે, મારા દીકરા સાથે સખતીથી રાખવા માટે કહ્યું હતું પરંતુ આવી રીતે તેને ટોર્ચર કરવો યોગ્ય નથી. જો ટીચર મારતી કે ધમકાવતી તો અમને વાંધો ન હતો, પરંતુ અન્ય વિદ્યાર્થીઓ પાસે માર મરાવવો ના જોઈએ. પીડિતના પિતાએ કહ્યું કે, મારો ભત્રીજો સ્કુલમાં કોઈ કામ અર્થે ગયો હતો, તેમજ તેણે જ વીડિયો બનાવ્યો છે. વીડિયો જોઈને અમે સ્કુલ ગયા હતા, અને વિદ્યાર્થીને માર મારવા મામલે વાત કરી હતી.

સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે શિક્ષિકા સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે અને શિક્ષણ વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે, સત્ય શું છે તે આગામી દિવસોમાં સામે આવશે.

[નોંધઃ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પણ સ્કૂલમાં કોઈ પણ વિદ્યાર્થી ઉપર અત્યાચાર ગુજારવાના મામલાને સમર્થન આપતું નથી.]