Site icon Revoi.in

જામનગરથી વંદે ભારત ટ્રેનમાં માત્ર 5 કલાકમાં અમદાવાદ પહોંચાશે, ટ્રાયલ રન યોજાઈ

Social Share

અમદાવાદઃ જામનગર અને અમદાવાદ વચ્ચે હવે વંદે ભારત ટ્રેન દોડતી થશે. જેથી હવે પ્રવાસીઓ માત્ર પાંચ કલાકમાં જ જામનગરથી અમદાવાદ આવી શકશે. દરમિયાન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી વિરમગામ વચ્ચે ટ્રાયલ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણતરિની મીનિટોમાં જ ટ્રેન વિરમગામથી અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ અને જામનગર વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેનને આગામી 24મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવશે. આ ટ્રેન જામનગરથી ઉપડીને રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ અને સાબરમતી થઈને અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચશે. આમ લગભગ પાંચ કલાકમાં પ્રવાસીઓ જામનગરથી અમદાવાદ પહોંચી જશે. આવી જ રીતે અમદાવાદથી ઉપડનારી ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશન, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ થઈને જામનગર પહોંચશે. રાજ્યની આ ત્રીજી વંદે ભારત ટ્રેન હશે. જ્યારે સૌરાષ્ટ્રના આ પ્રથમ વંદેભારત ટ્રેન હશે. જો ટ્રેનને સારો ટ્રાફિક મળશે તો આગામી દિવસોમાં ટ્રેનને વડોદરા સુધી લંબાવવામાં આવે તેવી પણ આશા વ્યક્ત થઈ રહી છે.

દરમિયાન વિરમગામથી સાબરમતી રેલવે સ્ટેશન સુધી ટ્રાયલ રન યોજાઈ હતી. ટ્રેનને લગભગ 110થી 120 કિમી પ્રતિકલાકની ઝડપથી દોડાવવામાં આવી હતી. ગુજરાતમાં અત્યારે ગાંધીનગરથી મુંબઇ અને અમદાવાદથી જોધપુર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરે પોતાના ગુજરાત પ્રવાસમાં નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ગાંધીનગરથી મુંબઇ સેન્ટ્રલ વચ્ચે દોડી રહી છે.