Site icon Revoi.in

ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોને આપ્યું સમર્થન

Social Share

દિલ્હીઃ કૃષિ કાયદાના વિરોધમાં ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના જીઆઈસી મેદાનમાં કિસાન મહાપંચાયતની વચ્ચે દેખાવ કરનારા ખેડૂતોને બારતીય જનતા પાર્ટીના સાંસદ વરૂણ ગાંધીનું સમર્થન મળ્યું છે. ભલે કેન્દ્ર સરકાર અને પાર્ટી કૃષિ કાનૂનને પરત લેવાનો ઈન્કાર કરે છે. પરંતુ ભાજપના જ સાંસદ વરૂણ ગાંધીએ ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. વરૂણ ગાંધીએ ખેડૂતોનું દર્દ સમજવાની અપીલ કરીને કહ્યું કે, તેઓ આપણું જ લોહી છે અને તેમનું દર્દ સમજવુ જ પડશે.

પીલીભીતના ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ પોતાના ટ્વીટ એકાઉન્ટમાં ટ્વીટ કર્યું છે કે, મુઝફ્ફરનગરમાં આજે દેખાવો માટે લાખો ખેડૂતો એકત્ર થયાં છે. તેઓ આપણું જ લોહી છે આપણે તેમની સાથે સમ્માનજક રીતે જોડાવવાની જરૂર છે. તેમનું દર્દ સમજવુ, તેમને વિચારને સમજવો અને જમીન સુધી પહોંચવા માટે કામ કરવું જોઈએ. તેમજ એક વીડિયો ટ્વીટ કર્યો છે. જે કિસાન મહાપંચાયતનો લાગી રહ્યો છે.

વરૂણ ગાંધીના આ ટ્વીટને ભાજપના જ અન્ય સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ રી-ટ્વીટ કર્યું છે. ભારતીય જનતા પાર્ટી કૃષિ કાનૂનનું સમર્થન કરી રહ્યું છે. ભાજપ અને પીએમ મોદીની સરકાર કૃષિ કાયદાનો બચાવ કરી રહ્યાં છે. બીજી તરફ ખેડૂતો કાનૂનનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ કાળો કાયદો કહીને પરત ખેંચવાની માંગણી કરી રહ્યાં છે. ત્યારે વરૂણ ગાંધીના આ ટ્વીટને લઈને એવુ લાગી રહ્યું છે કે તેઓ ખેડૂતોના સમર્થનમાં છે. ભાજપના સાંસદના ખેડૂતોના સમર્થનને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે.