મુંબઈ, 13 જાન્યુઆરી, 2026: Vasudhaiva Kutumbakam Conclave 4.0 જ્યોત ફાઉન્ડેશન દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલયના સહયોગથી આગામી ‘વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0’ યોજાઈ રહી છે. આ કાર્યક્રમ 16થી 22 જાન્યુઆરી, 2026 દરમિયાન મુંબઈના ઐતિહાસિક ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે યોજાશે.
પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્ય યુગભૂષણસૂરીજીના માર્ગદર્શન હેઠળ આ કોન્ક્લેવનું આયોજન એવા ‘સંક્રમણ કાળ’માં કરવામાં આવી રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વ અનિશ્ચિતતા, વિશ્વાસના અભાવ અને વ્યવસ્થાલક્ષી પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. હાલની વૈશ્વિક પરિસ્થિતિ અસાધારણ સંજોગોમાંથી પસાર થઈ રહી છે ત્યારે વિશ્વ ભારત તરફ તેના જ્ઞાન અને સૈદ્ધાંતિક માર્ગદર્શન માટે આશાભરી નજરે જોઈ રહ્યું છે.
ભારતની કાલાતીત પ્રાચીન જ્ઞાન પરંપરાઓમાંથી પ્રેરણા લેનાર આ કોન્ક્લેવ વસુધૈવ કુટુંબકમના 12 સિદ્ધાંતો પર આધારિત છે. આ કોન્ક્લેવ દ્વારા વાસ્તવમાં સમકાલીન વૈશ્વિક પડકારો સામે ભારતનો સચોટ પ્રતિસાદ રજૂ કરવાનો અને પરિવારથી શરૂ કરીને સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ સુધી મુક્ત, ન્યાયી અને સ્થિર વિશ્વ વ્યવસ્થામાં અર્થપૂર્ણ યોગદાન આપવાનો નિષ્ઠાવાન પ્રયાસ છે.
વસુધૈવ કુટુંબકમ મિશનની આ ચોથી આવૃત્તિ છે, જે પ્રતિવર્ષ સતત વિકસિત થઈ રહી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કરી રહી છે. અગાઉના કાર્યક્રમોમાં ગ્લોબલ સાઉથ અને પશ્ચિમ એશિયાના 23 દેશોના દૂતાવાસોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત આર્મેનિયન વિદેશ મંત્રાલય દ્વારા ‘યેરેવન ડાયલોગ 2024’માં આમંત્રણ અને સંયુક્ત રાષ્ટ્રમાં એમ્બેસેડર રુચિરા કંબોજ અને યુએન જનરલ એસેમ્બલીના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસ સાથેની વાતચીત સહિતની આંતરરાષ્ટ્રીય નોંધ લેવામાં આવી છે.
કોન્ક્લેવના મુખ્ય આકર્ષણો:
કાયદો, શાસન, જીઓપોલિટિક્સ, અર્થશાસ્ત્ર, સમાજ અને નૈતિકતા પર આધારિત વિષયોનાં સત્ર.
ન્યાયશાસ્ત્રીઓ, રાજદ્વારીઓ, નીતિ નિર્ધારકો, વિદ્વાનો અને વિચારકો સાથે વિવિધ રાઉન્ડ-ટેબલ ચર્ચા.
25,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું સંશોધન-આધારિત પ્રદર્શન, જે પરિવારથી લઈને વૈશ્વિક પ્રણાલીઓ સુધી વસુધૈવ કુટુંબકમના 12 પરિવર્તનકારી સિદ્ધાંતો રજૂ કરશે.
ભારતીય જ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં બંધારણના 75 વર્ષની ઉજવણી કરતું કાનૂની પ્રદર્શન.
વિદ્યાર્થીઓ માટે મૂટ કોર્ટ, મોડેલ યુનાઈટેડ નેશન્સ (MUN), શેરી નાટક અને ‘નાલંદાવાદ’ જેવાં ક્ષેત્રો.
શિક્ષણ, પર્યાવરણ, મીડિયા અને શાસન જેવા વિષયો પર ન્યાયશાસ્ત્રીઓ અને યુવાનો સાથે દૈનિક સંયુક્ત પોડકાસ્ટ.
આ કોન્ક્લેવમાં દેશ અને દુનિયાના ટોચના મહાનુભાવો ઉપસ્થિત રહેશે, જેમ કે: શ્રી બી.આર. ગવઈ, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ, શ્રી બી.એન. શ્રીકૃષ્ણ, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ, દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, પિયુષ ગોયલ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, શ્રી તુષાર મહેતા, સોલિસિટર જનરલ ઑફ ઈન્ડિયા, શ્રી આર. વેંકટરામણી, એટર્ની જનરલ, ભારત, માનનીય જસ્ટિસ શ્રી ચંદ્રશેખર, બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, એમ્બેસેડર રુચિરા કંબોજ, યુએન ખાતે ભારતના ભૂતપૂર્વ કાયમી પ્રતિનિધિ. આ ઉપરાંત અન્ય અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ મહાનુભાવો.
આ મહત્ત્વની કોન્ક્લેવમાંના સંસ્થાકીય ભાગીદારો છે: જ્યોત, ગીતાર્થ ગંગા, વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન, ઈન્ડિયા ફાઉન્ડેશન, નાલંદા યુનિવર્સિટી, મુંબઈ યુનિવર્સિટી, મહારાષ્ટ્ર નેશનલ લૉ યુનિવર્સિટી મુંબઈ, બાર કાઉન્સિલ ઑફ મહારાષ્ટ્ર અને ગોવા જેવી અગ્રણી શૈક્ષણિક અને કાનૂની સંસ્થાઓનું સમર્થન પ્રાપ્ત છે.
‘વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0’ના આયોજકોએ આ અંગે જણાવ્યું હતું કે, આ કોન્ક્લેવનો હેતુ વર્તમાન સંક્રમણ કાળમાં ભારતીય સભ્યતાને અનુરૂપ પ્રતિસાદ આપવાનો અને ન્યાયના પરિપ્રેક્ષ્યમાં કાનૂની અને રાજકીય પડકારોનો સામનો કરવા માટે વૈશ્વિક સમુદાયને જોડવાનો છે.

