Site icon Revoi.in

વિપક્ષના નેતાઓને સાથે લાવવા ખૂબ મુશ્કેલ કામઃ આરજેડી નેતા શરદ યાદવ

Social Share

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષના વિવિધ રાજકીય પક્ષોએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. નીતિશ કુમાર તમામ વિપક્ષી પક્ષોને એક નેજા હેઠળ લાવવા માટે  પ્રયાસો કરી રહ્યાં છે. દરમિયાન આરજેડીના સિનિયર નેતા શરદ યાદવે જણાવ્યું હતું કે, વિપક્ષના નેતાઓને સાથે લાવવા ખુબ મુશ્કેલ કામ છે પરંતુ નીતિશ કુમાર આ પ્રયાસ કરી રહ્યાં છે.

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની દિલ્હી મુલાકાત અને રાજકીય પક્ષોના નેતાઓ સાથેની મુલાકાતને લઈને આરજેડી નેતા શરદ યાદવે કહ્યું છે કે, વિપક્ષના નેતાઓને સાથે લાવવા ખૂબ મુશ્કેલ કામ છે, પરંતુ પ્રયાસ ચાલુ છે.

તેમણે કહ્યું કે ગઈ કાલે નીતીશ કુમાર સાથે મુલાકાત થઈ હતી અને આ દરમિયાન ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે નીતીશ કુમાર સાથેની મુલાકાત દરમિયાન તમામ વિપક્ષી પાર્ટીઓને એક સાથે કેવી રીતે લાવવી તે અંગે ચર્ચા થઈ હતી. જો કે, આ કાર્ય ખૂબ જ મુશ્કેલ અને પડકારજનક છે પરંતુ ફરીથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

શરદ યાદવે વધુમાં કહ્યું કે, અત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે તમામ વિપક્ષી રાજકીય પક્ષો સાથે ચર્ચા શરૂ કરવી, જો એક વખત સર્વસંમતિ બની જશે તો પછી ચહેરો પણ નક્કી કરવામાં આવશે. પરંતુ એવું લાગે છે કે નીતિશ તમામ વિપક્ષી પાર્ટીઓમાં સ્વીકાર્ય ચહેરો છે. નીતિશ કુમારની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે આજે દેશને વિપક્ષને એક થવાની જરૂર છે અને નીતિશ કુમાર આ કામ કરવા બહાર આવ્યા છે.

Exit mobile version