Site icon Revoi.in

અમદાવાદના સાબરમતી, રાણીપ, કુબેરનગર અને સરદારનગરમાં બપોરે 3 પછી સ્વૈચ્છિક લોકડાઉન

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસો હવે 10000ને વટાવી  ગયા છે. અમદાવાદ શહેરમાં રોજ 3000થી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે, ત્યારે હવે લોકડાઉનની માંગ લોકોમાં ઉઠી છે.  મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નેતાઓએ પહેલા હજારોની ભીડ ભેગી કરી હતી અને રેલીઓ કરી હતી. હવે આ જ નેતાઓ અને કોર્પોરેટરો હવે સ્વૈચ્છિક લોકડાઉન કરાવવા માટે લોકો અને વેપારીઓ પાસે જઈ રજુઆત કરી બંધ રાખવા અપીલ કરી રહ્યાં છે. શહેરનાં સાબરમતી, રાણીપ, ન્યુ રાણીપ, નિર્ણયનગર, કુબેરનગર અને સરદારનગર વિસ્તારમાં બપોરે ત્રણ વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે.

અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતાં સાબરમતી વેપારી મહાજન દ્વારા સાબરમતી વિસ્તારમાં બપોરે ત્રણ વાગ્યા બાદ દુકાનોને બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. સ્થાનિક કાઉન્સિલર ચેતન પટેલ અને અન્ય નેતાઓએ વેપારીઓ સાથે બેઠક કરી અને બપોર બાદ દુકાનો બંધ રાખવા સૂચન કર્યું હતું. જેમાં વેપારીઓએ તૈયારી દર્શાવતા હવે 30 એપ્રિલ 2021 સુધી સાબરમતી વિસ્તારમાં બપોરે ત્રણ વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રહેશે. માત્ર દવાની દુકાનો ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.

આ ઉપરાંત  રાણીપ અને ન્યુ રાણીપ વિસ્તારમાં પણ સાબરમતી વિસ્તારના ધારાસભ્ય અરવિંદ પટેલે સ્થાનિક વેપારીઓ સાથે બેઠક કરી હતી. કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને લોકોમાં કોરોના વધુ ન ફેલાય અને ભીડ ન એકઠી થાય તેના માટે ચર્ચા કરી અને વેપારીઓને સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરી હતી. જેને લઈ તમામ વેપારીઓ 25 એપ્રિલ 2021 સુધી બપોરે 2 વાગ્યા બાદ દુકાનો અને વેપાર બંધ રાખશે. તેમજ કુબેરનગર બજાર, નોબલનગર તથા સરદરનગર બજારો સાંજે 4 વાગ્યાથી બંધ રહેશે.

સિંધી સેન્ટ્રલ પંચાયત, કાપડ મહાજન, સોના-ચાંદી, ગોળી- બિસ્કિટ, કટલેરી, ચંપલ બજાર સહિતના વેપારી મહાજનોએ ભેગા મળી અને નિર્ણય લીધો છે. નરોડા પાટિયાથી સરદારનગર સુધી વેપારીઓ સ્વયંભૂ નાના મોટા વેપાર સાંજે 4 વાગ્યાથી બંધ રહશે તેમજ બુધવારે સમગ્ર માર્કેટ બંધ રહેશે. ઉપરાંત નરોડા વિસ્તારમાં પણ વેપારીઓએ બંધ રાખવાની જાહેરાત કરી છે.