Site icon Revoi.in

બંગાળમાં રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ મતદાન: ચૂંટણી પંચની જાહેરાત

Social Share

કોલકાતા, 6 જુલાઈ 2026: રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ત્રણ રાજ્યસભા સાંસદોએ આપેલા રાજીનામાને કારણે ખાલી પડેલી બેઠકો પર ભારતીય ચૂંટણીપંચે પેટાચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, આ ત્રણેય મહત્વની બેઠકો પર આગામી 24 જુલાઈના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, મતદાનનો સમય સવારે 9:00 વાગ્યાથી સાંજના 4:00 વાગ્યા સુધીનો રહેશે અને તે જ દિવસે સાંજે 5:00 વાગ્યાથી મતોની ગણતરી શરૂ કરી પરિણામ જાહેર કરવામાં આવશે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે 7 જુલાઈએ સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવશે, જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ નક્કી કરાઈ છે. ત્યારબાદ 15 જુલાઈએ ફોર્મની ચકાસણી થશે અને ઈચ્છુક ઉમેદવારો 17 જુલાઈ સુધી પોતાના નામ પરત ખેંચી શકશે, જ્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 27 જુલાઈ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. આ પેટાચૂંટણીને કારણે બંગાળના રાજકીય સમીકરણો અને બેઠકોનું ગણિત અત્યંત રસપ્રદ બન્યું છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભાની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો ભારતીય જનતા પાર્ટી પાસે સૌથી વધુ 207 બેઠકોનું સંખ્યાબળ છે, જ્યારે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ પાસે માત્ર 80 બેઠકો છે. આ ઉપરાંત કોંગ્રેસ અને હુમાયું કબીરની પાર્ટી પાસે અનુક્રમે બે અને સીપીઆઈ-એઆઈએસએફ પાસે એક-એક બેઠક છે. હાલમાં ટીએમસી પક્ષ આંતરિક રીતે બે જૂથોમાં વહેંચાયેલો હોવાથી રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપ આ ત્રણેય બેઠકો પર અત્યંત સરળતાથી જીત હાંસલ કરી લેશે. જો આ અંદાજ સાચો સાબિત થશે તો રાજ્યસભામાં શાસક પક્ષ એનડીએનું સંખ્યાબળ વધીને 155 ના આંકડા સુધી પહોંચી જશે, જે કેન્દ્ર સરકાર માટે બિલ પસાર કરાવવામાં મોટી રાહત આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બંગાળના રાજકારણમાં આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે મમતા બેનર્જીના અત્યંત નજીકના ગણાતા સુખેન્દુ શેખર રોયે ગત 8 જૂનના રોજ ટીએમસી અને સંસદ સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે પક્ષમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર, મહિલાઓ સામેની હિંસા અને આરજી કર મેડિકલ કોલેજની દુઃખદ ઘટનાનો ઉલ્લેખ કરીને મમતા બેનર્જીના નેતૃત્વ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ 10 જૂને મહિલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વર્ષ 2014 માં સિલ્ચરથી સાંસદ બનેલા કદાવર નેતા સંતોષ મોહન દેવના પુત્રી સુસ્મિતા દેવે પણ ટીએમસી છોડી દીધી હતી અને દિલ્હીમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા સાથે મુલાકાત કરી હતી, જેથી તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ થઈ છે. આ બંને નેતાઓ બાદ ત્રીજા સાંસદ પ્રકાશ ચિક બરાઈકે પણ 11 જૂને કોઈ પણ આક્ષેપ વગર પક્ષમાંથી રાજીનામું ધરી દીધું હતું, જેને પગલે આ ત્રણેય બેઠકો ખાલી પડી હતી.

Exit mobile version