Site icon Revoi.in

ઉપવાસમાં કંઈક ચટાકેદાર ખાવું છે? ટ્રાય કરો આ ક્રિસ્પી ફરાળી મસાલા શક્કરિયા ચિપ્સ

Social Share

સામાન્ય રીતે ઉપવાસ કે વ્રત હોય ત્યારે આપણા મગજમાં બટેટાની સૂકી ભાજી, સાબુદાણાની ખીચડી કે રાજગરાનો શીરો જ આવે છે. વારંવાર એકનું એક રૂટિન ફરાળ ખાઈને કંટાળો આવવો સ્વાભાવિક છે. વળી, બહાર મળતું ફરાળ કેટલું શુદ્ધ હશે તે બાબતે પણ હંમેશા શંકા રહે છે. જો તમે પણ આ શિવરાત્રિ કે ઉપવાસ પર કંઈક નવું અને હેલ્ધી ટ્રાય કરવા માંગતા હોવ, તો ‘મસાલા શક્કરિયા ચિપ્સ’ બેસ્ટ ઓપ્શન છે. શક્કરિયા માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે. બાળકોથી લઈને વડીલો સુધી સૌને ભાવે તેવી આ રેસીપી નોંધી લો અને ઘરે જ બનાવો ચોખ્ખું ફરાળ.

શક્કરિયાઃ 2થી 3 નંગ મોટા
લાલ મરચુ પાવડરઃ 1 ચમચી
કાળા મરી પાવડરઃ અડધી ચમચી
પેરી-પેરી મસાલાઃ એક ચમચી
સિંધવ મીઠુંઃ સ્વાદ અનુસાર
તેલઃ તળવા માટે

શક્કરિયાનું કટિંગ: સૌ પ્રથમ શક્કરિયાને પાણીથી બરાબર ધોઈ લો જેથી તેની પરની માટી નીકળી જાય. હવે તેની છાલ ઉતારીને સ્લાઈઝરની મદદથી અથવા ચપ્પુથી તેની એકદમ પાતળી ચિપ્સ કરી લો.

ધોવાની પ્રક્રિયા: કટ કરેલી આ ચિપ્સને બે-ત્રણ વાર સાફ પાણીથી ધોઈ લો જેથી તેનો વધારાનો સ્ટાર્ચ નીકળી જાય અને ચિપ્સ એકદમ ક્રિસ્પી બને. ધોયા બાદ તેને થોડીવાર કોરા કપડા પર ફેલાવી દો જેથી પાણી સુકાઈ જાય.

તળવાની રીત: એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ બરાબર ગરમ થાય એટલે મીડીયમ આંચ પર શક્કરિયાની ચિપ્સને તળી લો. જ્યાં સુધી તે સોનેરી અને એકદમ કડક (ક્રિસ્પી) ન થાય ત્યાં સુધી તળવી.

મસાલાનું મિશ્રણ: એક નાના બાઉલમાં લાલ મરચું, મરી પાવડર, મીઠું અને પેરી-પેરી મસાલાને મિક્સ કરી લો. તૈયાર થયેલી ગરમાગરમ ચિપ્સને એક મોટા વાસણમાં કાઢી લો અને તેની પર આ તૈયાર કરેલો મસાલો છાંટીને બરાબર હલાવી લો.

પીરસવાની ટીપ્સ: આ મસાલા ચિપ્સને તમે દહીં અથવા ફરાળી ચટણી સાથે સર્વ કરી શકો છો. આ નાસ્તો એટલો ટેસ્ટી બનશે કે બાળકો પણ હોંશે હોંશે ખાશે અને તેમને ખબર પણ નહીં પડે કે આ ફરાળી વાનગી છે!

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રમાં ફરી હવામાનમાં પલટો, સવારે ધૂમ્મસભર્યુ વાતાવરણ, બપોરે ગરમીનો અહેસાસ

Exit mobile version