- અમદાવાદમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ પર ગુંજશે દેશભક્તિનું સંગીત
- ‘વંદે માતરમ’ના 150 વર્ષ નિમિત્તે અમદાવાદનો અટલ બ્રિજ બનશે રાષ્ટ્રપ્રેમનું કેન્દ્ર
અમદાવાદ, 23 જાન્યુઆરી 2026: Special Army band program દેશના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે રક્ષા મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં સૈન્ય બેન્ડ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ ભારતીય સૈન્યના સંકલનથી યોજાશે.
રક્ષા મંત્રાલય તરફથી મળેલી માહિતી અનુસાર આ બેન્ડ પ્રદર્શન 24 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ‘વંદે માતરમ’ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરનું સ્મરણ કરવો તેમજ રાષ્ટ્રપ્રેમ, એકતા, બલિદાન અને માતૃભૂમિ પ્રત્યેના અખૂટ પ્રેમના મૂલ્યોને ઉજાગર કરવો છે.
આ અંતર્ગત ગુજરાતના વિવિધ શહેરોમાં પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પ્લાઝા એરીયા અટલબ્રિજ ખાતે આર્મી બેન્ડ દ્વારા 24 અને 25 જાન્યુઆરીના દિવસે સાંજના 6થી 8 વાગ્યા દરમિયાન કાર્યક્રમ રજૂ કરાશે.
જુઓ વીડિયો
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સૈન્ય બેન્ડ પ્રદર્શન માત્ર સંગીત કાર્યક્રમ નહીં પરંતુ દેશની આર્મીની શિસ્ત, સંગઠન શક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાનો જીવંત પરિચય છે, જે નાગરિકોમાં દેશ પ્રત્યે ગૌરવની લાગણી જન્માવે છે. આ ઐતિહાસિક અને રાષ્ટ્રપ્રેરક પ્રસંગે વધુમાં વધુ નાગરિકો પરિવાર સાથે આ સૈન્ય બેન્ડ પ્રદર્શનની અવશ્ય મુલાકાત લે, દેશભક્તિના સંગીતમાં તરબોળ બને અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીને સ્મરણિય બનાવે એવી અપીલ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સાબરમતી રિવરફ્રન્ટ રાજ્યના આઇકોનિક સ્થળ તરીકે ઊભરી આવ્યો છે. રિવરફ્રન્ટ બનતાં તેના પર એક પછી એક નવા-નવા આકર્ષણો ઉમેરાયાં છે. રિવરફ્રન્ટ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનું હબ બનતું જાય છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આઇકોનિક અટલ બ્રિજ દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. રિવરફ્રન્ટમાં એક તરફ સુંદર બાગ-બગીચા નિર્માણ પામ્યા છે તો બીજી તરફ સ્પોર્ટ્સ સંકુલ પણ વિકસ્યા છે. રિવરફ્રન્ટ પર યોજાતો ફ્લાવર શૉ હોય, ડ્રોન શૉ હોય, મેરેથોન દોડ હોય કે સાઇકલિંગ આ તમામ બાબતે રિવરફ્રન્ટ બાળકોથી માંડી મોટેરા સૌ માટે એક જાણીતું-માનીતું સ્થળ બની ચૂક્યું છે.

