Site icon Revoi.in

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઃ તૃણમૂલ કોંગ્રેસે બીએસએફ સામે કર્યા ગંભીર આક્ષેપ

Social Share

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં આક્ષેપ-પ્રતિઆક્ષેપ પણ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે તૃણમૂલ કોંગ્રેસે બાંગ્લાદેશ સાથેની સરહદ ઉપર તૈનાત બીએસએફ ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે. બીએસએફ સરહદી વિસ્તારના મતદારોને ચોક્કસ રાજકીય પક્ષને મતદાન કરવા ધમકી આપતા હોવાનો આક્ષેપ ચૂંટણીપંચ સમક્ષ કર્યો છે. જો કે, બીએસએફ દ્વારા આરોપોને પાયાવિહોણા અને સત્યથી વેગળા ગણાવ્યા છે.

પશ્ચિમ બંગાળમાં આગામી એપ્રિલ મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. જેને લઈને ચૂંટણી પંચના અધિકારીઓએ બંગાળની મુલાકાત લીધી હતી. તેમજ રાજકીય પક્ષના નેતાઓ સાથે બેઠક કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના સેક્રેટરી જનરલ પાર્થા ચેટરજીએ ચૂંટણી પંચ સાથેની બેઠક પછી જણાવ્યું હતું કે, ‘અમે ચૂંટણી પંચના વડા અને અન્ય અધિકારીઓને કહ્યું હતું કે, બીએસએફ સરહદી વિસ્તારોમાં મતદારોને ધમકી આપે છે. અમને માહિતી મળી છે કે બીએસએફના અધિકારીઓ સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને લોકોને ચોક્કસ રાજકીય પક્ષને મત આપવાનું જણાવી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા બીએસએફ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. જો કે, બીએસએફએ તૃમણૂલ કોંગ્રેસના આક્ષેપને ફગાવી દઈને જણાવ્યું હતું કે, બીએસએફના જવાનો પશ્ચિં બંગાળમાં બાંગ્લાદેશ સાથેની સરહદ ઉપર તૈનાત છે. જવાનો ગેરકાયદે ઘુસણખોરી અને દાણચોરી અટકાવવાનું કામ કરે છે.