માલદા, 26 જૂન 2026: પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ગત એપ્રિલ મહિનામાં યોજાયેલી ચૂંટણીઓ પૂર્વે ભડકેલી હિંસા, તોફાનો અને ન્યાયિક અધિકારીઓને ગેરકાયદેસર રીતે બંધક બનાવવાના ગંભીર મામલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ મોટી કાર્યવાહી કરી છે. એનઆઈએની કોલકાતા શાખાએ સઘન પૂછપરછ બાદ મોથબારી (માલદા) ના વગદાર સ્થાનિક રાજકીય નેતા સાયેમ ચૌધરી ઉર્ફે બાબુ ચૌધરીની ધરપકડ કરી છે. આ હિંસા અને ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાના હાઈપ્રોફાઈલ કેસમાં કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવેલી આ 30મી ધરપકડ છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ પહેલા માલદા જિલ્લામાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા દરમિયાન ઉશ્કેરાયેલા ટોળા દ્વારા કરવામાં આવેલા વિરોધ-પ્રદર્શન અને ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાના 1 ડઝનથી વધુ કેસોની તપાસ હાલમાં એનઆઈએ ચલાવી રહી છે.
એનઆઈએની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, પકડાયેલો આરોપી સાયેમ ચૌધરી 1 એપ્રિલ 2026 ના રોજ બીડીઓ ઓફિસ બ્લોક-II માં ન્યાયિક અધિકારીઓને ગેરકાયદેસર રીતે બંધક બનાવવાની ઘટનાનો મુખ્ય સુત્રધાર અને મુખ્ય આરોપી હતો. તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાવનાર એ હિંસક ટોળાનું નેતૃત્વ કરી રહ્યો હતો, જેણે ફરજ પર તૈનાત પોલીસકર્મીઓ પર ઘાતક હુમલા કર્યા હતા. સાયેમ ચૌધરીના ઈશારે થયેલા આ પથ્થરમારા અને હુમલામાં 9 પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. એજન્સીના સત્તાવાર અહેવાલ મુજબ, આરોપીએ આ હિંસક ઘટનાના 1 દિવસ પહેલા બીડીઓ ઓફિસની સામે ઉશ્કેરણીજનક ભાષણ આપીને સ્થાનિક લોકોને હિંસા કરવા માટે ઉકસાવ્યા હતા. તેણે અન્ય સહ-આરોપીઓ સાથે મળીને ન્યાયિક પ્રક્રિયાને રોકવાનું મોટું ષડયંત્ર રચ્યું હતું અને એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન સરકારી તંત્રને ડરાવવા-ધમકાવવા તેમજ વ્યાપક હિંસા આચરવા માટે બનેલી ગેરકાયદેસર મંડળીમાં સક્રિય ભાગ ભજવ્યો હતો.
-
સુપ્રીમ કોર્ટે પણ લીધી હતી ગંભીર નોંધ
અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા મોટા પાયે ફાટી નીકળેલી આ હિંસા પાછળના મોટા રાજકીય ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે એનઆઈએ વિવિધ સ્તરે પોતાની તપાસ આગળ ધપાવી રહી છે. દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા માલદામાં એપ્રિલ મહિનામાં થયેલી આ ભયાનક હિંસાની સુઓ મોટો નોંધ લેવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશો બાદ જ આ મામલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી હતી. તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, હિંસામાં સંકળાયેલા અન્ય ફરાર આરોપીઓની ઓળખ કરવા અને આંતરરાષ્ટ્રીય કે આંતરરાજ્ય કનેક્શન તપાસવા માટે ઓપરેશન હજુ પણ ચાલુ છે, જેને પગલે આગામી દિવસોમાં માલદા અને તેની આસપાસના વિસ્તારોમાંથી વધુ ધરપકડો થવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.

