Site icon Revoi.in

પશ્વિમ રેલવેએ કોરોનાને લીધે પેસેન્જરો ઘટતા ઘણીબધી ટ્રેનો કેન્સલ કરી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કપરા કાળે પરિવહન ક્ષેત્રને પણ અસર કરી છે. લોકો મહત્વના કામ સિવાય બહારગામ જતા નથી. તેથી રેલવે સેવાને પણ મોટી અસર થઈ છે. રેલવે દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આગામી આદેશ સુધી મોટી સંખ્યામાં ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે. સાથે જ આગામી આદેશ ન આવે ત્યાં સુધી આ ટ્રેનો રદ કરવામાં આવી છે. 19 અને 20 એપ્રિલથી ટ્રેનો બંધ કરવામા આવનાર છે. જેમાં  સુરત – ભુસાવલ સ્પેશિયલ,  વડોદરા – જામનગર સુપરફાસ્ટ સ્પેશિયલ,  જામનગર – વડોદરા સુપરફાસ્ટ સ્પેશિયલ,  વેરાવળ – અમદાવાદ સ્પેશિયલ, આંબેડકર નગર – ભોપાલ સ્પેશિયલ અને ભોપાલ – દાહોદ સ્પેશિયલનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત 20 એપ્રિલથી આગળના આદેશ સુધી રદ કરેલી ટ્રેનોમાં અમદાવાદ – વેરાવળ સ્પેશિયલ, ભુસાવલ – સુરત સ્પેશિયલ, નંદુરબાર – ભુસાવલ સ્પેશિયલ, ભુસાવળ નંદુરબાર સ્પેશિયલ, દાહોદ – ભોપાલ સ્પેશિયલ, ભોપાલ – આંબેડકર નગર સ્પેશિયલનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર સહિત દેશભરમાં વધી રહેલા કોવિડના કેસોને પગલે ભારતીય રેલવેએ આ નિર્ણય કર્યો છે. સાથે જ નિયમોના પાલન કરવામાં પણ ભારતીય રેલવે સતર્ક બન્યું છે. માસ્ક ન લગાવનાર મુસાફરો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. તો સાથે જ પ્લેટફોર્મ પર થૂંકનારા લોકોને પણ દંડ કરવામાં આવી રહ્યો છે.